Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ચૂંટણીમાં મોદી ફેકટરથી લઇને રેવડી કલ્ચર સહિત અનેક મુદ્દા મહત્વના છે

ટોપ ૧૦ મુદ્દા

૧. નરેન્દ્ર મોદી
બીજેપી પાસે વડા પ્રધાન સ્વરૂપે ટ્રમ્પ કાર્ડ છે. જેઓ ૨૦૦૧થી ૨૦૧૪ દરમ્યાન ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તેઓ ગુજરાત છોડીને કેન્દ્રમાં ગયાનાં આઠ વર્ષ બાદ પણ મોદી મેજિક અકબંધ છે. અનેક રાજકીય પંડિતો અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મહત્ત્વનું નિર્ણાયક પરિબળ રહેશે.
૨. બિલ્કિસબાનો કેસના દોષીઓની મુકિત
ગુજરાત સંઘ પરિવારની હિન્દુત્વ લેબોરેટરી કહેવાય છે. બિલ્કિસબાનો ગેન્ગરેપ અને હત્યા કેસમાં દોષીઓની મુકિતની અસર લઘુમતી અને બહુમતી પર અલગ-અલગ પડશે.
૩. એન્ટિ-ઇન્કમબન્સી
રાજકીય નિષ્ણાતો અનુસાર બીજેપી રાજયમાં છેલ્લાં ૨૪ વર્ષથી શાસનમાં છે. હવે સમાજના જુદા-જુદા વર્ગોમાં અસંતોષ વધ્યો છે. અનેક લોકો માને છે કે મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
૪. મોરબી હોનારત
૩૦ ઓકટોબરે મોરબીમાં બ્રિજની હોનારતમાં ૧૩૫થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં વહીવટી તંત્ર અને સમૃદ્ઘ બિઝનેસમેન વચ્ચેની સાઠગાંઠની વાત બહાર આવી છે. આગામી સરકાર માટે મતદાન કરવા માટે લોકો જશે ત્યારે આ મુદ્દો પણ તેમના માનસમાં રહેશે.
૫. પેપર લીક
સરકારી ભરતી માટેની પરીક્ષાઓનાં અવારનવાર પેપર લીક અને ભરતી પરીક્ષા મોકૂફ રાખવાના કારણે સરકારી નોકરી મેળવવાનું યુવાનોનું સપનું અધૂરું રહી જાય છે, જેના કારણે અસંતોષ રહે છે.
૬. અંતરિયાળ વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ
ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો શિક્ષણ અને આરોગ્યની  સુવિધાઓથી વંચિત છે.
૭. ખેડૂતોની સમસ્યા
છેલ્લાં બે વર્ષમાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન બદલ ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી, જેના કારણે રાજયના વિસ્તારોમાં ખેડૂતોએ આંદોલન કર્યું છે.
૮. ખરાબ રસ્તા
ગુજરાત આ પહેલાં એના સારા રસ્તા માટે જાણીતું હતું. જોકે છેલ્લાં પાંચથી છ વર્ષમાં રાજય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ સારા રસ્તાઓને મેઇન્ટેઇન કરી શકયાં નથી.
૯. વીજળીના ઊંચા દર
દેશમાં સૌથી વધુ વીજ દર ધરાવતાં રાજયોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટી અને કોન્ગ્રેસે દર મહિને ૩૦૦ યુનિટ ફ્રી આપવાની જાહેરાત કરી છે, જેની અસર થઈ શકે છે.
૧૦. જમીન સંપાદન
જુદા-જુદા સરકારી પ્રોજેકટ્સ માટે જેમની જમીન સંપાદિત કરવામાં આવેલી છે એવા ખેડૂતો અને જમીનમાલિકોમાં અસંતોષ છે, જેમ કે અનેક ખેડૂતોએ અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો.

 

(11:56 am IST)