Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

IT રિટર્ન માટે હવે વેપારી - પગારદાર તમામ માટે એક જ ફોર્મ

૧ થી ૭ નંબરના ફોર્મ મર્જ કરાયા : CBDTએ ૧૩૭ પાનાની ગાઈડલાઈન બહાર પાડી : રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓને મોટી રાહત

નવી દિલ્હી તા. ૪ : CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ) એ IT રિટર્નને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. CBDTએ ૨૦૨૨-૨૩ ના નાણાંકીય વર્ષ માટે ઈન્કમટેકસ રિટર્નની કાર્યવાહી સરળ બનાવી દીધી છે. જેમાં ૧થી ૭ નંબરના અલગ-અલગ ફોર્મ મર્જ કરીને એક જ ફોર્મ કરી દેવાયું છે. આથી હવે નોકરિયાત કે વેપારી દરેકને આ એક જ ફોર્મના આધારે IT રિટર્ન ભરવાનું રહેશે. એટલે કે હવેથી તમામ કરદાતાઓએ IT રિટર્ન માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે.
આ ફોર્મ કેવી રીતે ભરવું તે માટે સીબીડીટી (CBDT) એ ૧૩૭ પાનાની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જોકે સામાન્ય રીતે આટલું મોટું ફોર્મ ભરતા કરદાતાને એક કલાકથી વધારે સમય લાગતો હોય છે. ત્યારે નાના કરદાતાઓને પણ મોટા કરદાતાની સરખામણીમાં એક સરખા ફોર્મ ભરવાની જાહેરાતને લઇને ભવિષ્યમાં નાના કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
આ IT રિટર્નની વિગતમાં ડિજિટલ કરન્સીમાં કરેલા રોકાણની માહિતી અલગથી આપવાની રહેશે. આમ, અત્યાર સુધી પગારદાર કરદાતાને આઇટીઆર-૦૧ ફોર્મ ભરવાનું હતું પરંતુ હવેથી પગારદાર કરદાતાઓને વિગતવાર આ રિટર્ન ભરવાની જવાબદારી આવશે.
CBDT દ્વારા કોમન ITR ફોર્મની રજૂઆત કરવાનો ઉદ્દેશ્ય સામાન્ય કરદાતાઓને IT રિટર્ન ફાઇલ કરવામાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાનો, ટેકસ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો તેમજ રિટર્ન ફાઇલ કરવામાં લાગતો સમય ઘટાડવાનો છે. વધુ માહિતી તમે આવકવેરા વિભાગની સત્ત્।ાવાર વેબસાઇટ incometax.gov.in પર કિલક કરીને પણ જોઇ શકો છો.

 

(11:58 am IST)