Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

કોંગ્રેસ માટે ગુજરાતનો જંગ વધુ મહેનત માંગે તેવોઃ ઘરે ઘરે જઈને કરી રહ્યા છે પ્રચાર

૨૭ વર્ષોથી સત્તા પર રહેલી બીજેપીને માત આપવા પક્ષે રણનીતિમાં કર્યો બદલાવ

નવી દિલ્‍હી તા. ૪ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને આવકારી કોંગ્રેસે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. પરંતુ પાર્ટી માટે આ લડાઈ એટલી સરળ નથી. જોકે, ૨૭ વર્ષથી સત્તામાં રહેલા ભાજપને હરાવવા માટે પાર્ટીએ પોતાની રણનીતિ બદલી છે. પરંતુ તેને બેવડા પડકારનો સામનો કરવો પડે છે.

કોંગ્રેસ પાર્ટી પાસે ૨૦૧૭ની કામગીરી જાળવી રાખીને વધુ સુધારો કરવાનો પડકાર છે. આ પડકારોને પહોંચી વળવા પાર્ટીએ મોટી રેલીઓ અને જાહેર સભાઓને બદલે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. કાર્યકરો ઘરે-ઘરે જઈને પોતપોતાની વાત પહોંચાડી રહ્યા છે.

ગુજરાત પરિવર્તન સંકલ્‍પ યાત્રા દ્વારા પાર્ટીએ તમામ વિધાનસભા મત વિસ્‍તારોમાંથી પસાર થતા લગભગ પાંચ કરોડ લોકો સાથે સીધો સંપર્ક કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. રાજયને પાંચ ભાગમાં વહેંચીને પાર્ટી યાત્રા દરમિયાન ૧૪૫ જાહેર સભાઓ અને ૯૫ મોટી રેલીઓનું આયોજન કરશે. યાત્રાનો હેતુ આપણા સંકલ્‍પને લોકો સુધી પહોંચાડવાનો છે.

કોંગ્રેસને ચૂંટણી માટે તૈયાર તેના આઠ ઠરાવો પર પૂર્ણ વિશ્વાસ છે. આ ઠરાવોમાં સરકારની રચના પછી કરવામાં આવનાર કામો અને લોકો દ્વારા મળેલા સહકારનો તો ઉલ્લેખ છે જ પરંતુ આ ઠરાવોનો અમલ કેવી રીતે કરવો તેની સંપૂર્ણ બ્‍લુ પ્રિન્‍ટ છે. જેથી કરીને લોકોમાં વિશ્વાસ પેદા કરી શકાય.

ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસનું સમગ્ર ધ્‍યાન ગ્રામીણ વિસ્‍તારો, આદિવાસી, દલિત અને મુસ્‍લિમ પ્રભુત્‍વ ધરાવતા વિસ્‍તારો પર છે. રાજયની ૧૮૨ બેઠકોમાંથી ૫૫ બેઠકો માત્ર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ ચાર મોટા શહેરોમાં છે. જયારે ૧૦૦ જેટલી બેઠકો ગ્રામ્‍ય વિસ્‍તારની છે. પાર્ટી આ સીટો પર વધુ ફોકસ કરી રહી છે.

પાર્ટી અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અભિયાનથી પાર્ટીને દલિત મતદારોમાં સમર્થન વધવાનો વિશ્વાસ છે. રાજયમાં આઠ ટકા દલિતો છે અને ૧૩ બેઠકો અનામત છે. ૨૦૧૭ની ચૂંટણીમાં આમાંથી સાત બેઠકો ભાજપને અને પાંચ કોંગ્રેસને મળી હતી. જયારે એક બેઠક જીગ્નેશ મેવાણીએ પાર્ટીના સમર્થનથી જીતી હતી.

કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારને લઈને સાવધ છે. પાર્ટી લોકોને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરી રહી છે કે AAP વોટ કાપવા માટે ચૂંટણી લડી રહી છે. રાજયમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને હરાવી શકે છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે ‘આપ' શહેરી વિસ્‍તારોમાં વધુ સક્રિય છે. હજુ પણ પાર્ટી સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે.

૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શનમાં હાર્દિક પટેલ, અલ્‍પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીનો મહત્‍વનો ભાગ હતો. પણ હવે આ યુવાન ત્રિપુટી વેરવિખેર થઈ ગઈ છે. હાર્દિક અને અલ્‍પેશ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. જો કે જીગ્નેશ મેવાણીએ પાર્ટીમાં કાર્યકારી પ્રમુખનું પદ યથાવત રાખ્‍યું છે.

ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ માટે ૨૭ બેઠકો અનામત છે. છેલ્લી ચૂંટણીઓમાં, આમાંથી ૧૫ બેઠકો કોંગ્રેસે અને બે બેઠકો ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ જીતી હતી. આદિવાસી મતદારોનો વિશ્વાસ જીતવા માટે પાર્ટી BTP સાથે ગઠબંધનની તૈયારી કરી રહી છે. પાર્ટીના એક નેતાના જણાવ્‍યા અનુસાર, BTP સાથે અંતિમ તબક્કામાં ચર્ચા ચાલી રહી છે.

મોરબીની ઘટનાની અસર ચૂંટણી પર પણ પડી શકે છે. કોંગ્રેસને વિશ્વાસ છે કે તે ૨૦૧૭ની જેમ ફરી એકવાર આ બેઠક જીતવામાં સફળ રહેશે. જોકે, પાર્ટીના ધારાસભ્‍ય બ્રિજેશ મેરજા થોડા મહિનાઓ બાદ જ ભાજપમાં જોડાયા હતા. પરંતુ હાલમાં મેરજાની હાલત સારી નથી. આવી સ્‍થિતિમાં કોંગ્રેસને ફાયદો મળી શકે છે.

ગુજરાતમાં કોંગ્રેસે ફરી એકવાર રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત પર વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે. પ્રભારી મહાસચિવ તરીકે, ગેહલોત ૨૦૧૭ની ચૂંટણીમાં પાર્ટીને ૭૭ બેઠકો મેળવવામાં સફળ રહ્યા હતા. આ વખતે પાર્ટીએ તેમના વિશ્વાસુ રઘુ શર્માને પ્રભારી બનાવ્‍યા છે, તેમને મુખ્‍ય નિરીક્ષક તરીકે નિયુક્‍ત કર્યા છે. આ સાથે ગુજરાત સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્‍યો વિવિધ જિલ્લાઓની જવાબદારી સંભાળી રહ્યા છે.(

(1:29 pm IST)