Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

દિલ્‍હીમાં ટ્રકો - ડિઝલ વાહનો પર પ્રતિબંધ : ૫૦ ટકા કર્મચારી કરશે વર્ક ફ્રોમ હોમ : પ્રાઇમરી શાળાઓ બંધ

મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્‍યો : સુનાવણી ૧૦ નવેમ્‍બરે : વાયુ પ્રદૂષણથી દિલ્‍હીમાં ‘મીની લોકડાઉન' : વાહનો માટે ઓડ-ઇવનની તૈયારી : AQIનું સ્‍તર ૭૫૦ને પાર

નવી દિલ્‍હી તા. ૪ : દિલ્‍હીમાં વાયુ પ્રદૂષણ ભયજનક સ્‍તરે પહોંચ્‍યા બાદ આમ આદમી પાર્ટીની સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્‍હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રાજધાનીમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધને અસરકારક બનાવવા માટે ૬ સભ્‍યોની સમિતિની રચના કરવામાં આવી છે. દિલ્‍હીમાં ફક્‍ત BS-6 વાહનોને જ પ્રવેશ મળશે. સીએનજી, ઇલેક્‍ટ્રિક અને આવશ્‍યક સેવાની ટ્રકો સિવાય અન્‍ય પર પ્રતિબંધ રહેશે. જો કે, તેમણે હજુ સુધી સ્‍પષ્ટ કર્યું નથી કે નોન-BS-VI વાહનો પર લાદવામાં આવેલો પ્રતિબંધ ખાનગી કારને પણ લાગુ પડશે કે કેમ.

દિવાળી પછીથી સતત પ્રદૂષણ સામે લડી રહેલા દિલ્‍હી અને તેની આસપાસના NCR વિસ્‍તારમાં શ્વાસ લેવો દિવસેને દિવસે મુશ્‍કેલ બની રહ્યો છે. ત્‍યાંનું પ્રદૂષણનું સ્‍તર ‘ગંભીર' શ્રેણીમાં પંહોચી ગયું છે અને આ પોલ્‍યુશનનો કિસ્‍સો હવે સુપ્રીમ કોર્ટ સુધી પંહોચી ગયો છે. દિલ્‍હી-NCRમાં આ પ્રદૂષણ ઘટાડવાની માંગ વાળી એક અરજી દાખલ કરવામાં આવી છે અને આ અરજી પર ૧૦ નવેમ્‍બર પર સુનાવણી થશે.

ગોપાલ રાયે કહ્યું કે દિલ્‍હીમાં પ્રદૂષણના વધતા સ્‍તરને જોતા દિલ્‍હીની અંદર તમામ પ્રકારના બાંધકામ અને તોડી પાડવાના કામ પર પ્રતિબંધ છે. આમાં કેટલીક શ્રેણીઓને મુક્‍તિ આપવામાં આવી હતી. આજે હાઈવે, રોડ નિર્માણ, ફલાયઓવર, પાઈપલાઈન અને પાવર ટ્રાન્‍સમિશનના કામ પર પણ નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે.

ગોપાલ રાયે વધુમાં કહ્યું કે દિલ્‍હીની અંદર આવશ્‍યક સેવાઓ સિવાય તમામ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આવશ્‍યક સેવાઓ સાથે સીએનજી અને ઇલેક્‍ટ્રિક ટ્રકને મંજૂરી આપવામાં આવશે. દિલ્‍હીમાં રજિસ્‍ટર્ડ ડીઝલ મીડિયમ વાહનો પર પણ પ્રતિબંધ રહેશે. આવશ્‍યક સેવા શ્રેણીમાં આવતા સામાનને ખસેડવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ઈમરજન્‍સી સેવા સિવાય, BS-6 વાહનો (ડીઝલવાળા) સિવાયના તમામ પર પ્રતિબંધ રહેશે.

દિલ્‍હીના પર્યાવરણ મંત્રીએ કહ્યું કે દિલ્‍હી સરકારના અડધા કર્મચારીઓ ‘વર્ક ફ્રોમ હોમ' મોડમાં કામ કરશે. આ સિવાય ખાનગી કંપનીઓને પણ સલાહ આપવામાં આવી છે કે કર્મચારીઓને શક્‍ય હોય ત્‍યાં સુધી ઘરેથી કામ કરવાની છૂટ આપે. તેમણે કહ્યું, દિલ્‍હી સરકારમાં ૫૦ ટકા કર્મચારીઓ ‘વર્ક ફ્રોમ હોમ' કરશે, તે ફરજિયાત છે. અમે જેઓ ખાનગી ઓફિસો છે તેમના માટે એડવાઈઝરી જારી કરવા જઈ રહ્યા છીએ કે તેઓએ પણ આવું કરવું જોઈએ.

(3:53 pm IST)