Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ઋષિ સુનક લંડન ટ્યુબ સ્ટેશન પર મુસાફરોને પોપીવેચતા જોવા મળ્યા

બ્રિટનના નવા વડાપ્રધાનની અનોખી સ્ટાઈલ : આ ફૂલોને કાગળમાંથી બનાવવામાં આવ્યા હતા અને સુનકે ભંડોળ ઊભું કરવા માટે એક ફૂલ ૫ પાઉન્ડમાં વેચ્યું હતું

લંડન, તા.૪ : બ્રિટનની અર્થવ્યવસ્થા મંદીમાં છે, ફુગાવો આસમાને છે અને રાજકીય અસ્થિરતા પણ જોવા મળી રહી છે. સ્પષ્ટ છે કે આવી સ્થિતિમાં દેશના નવા વડાપ્રધાન ઋષિ સુનકની સામે મોટા પડકારો છે. આમ છતાં પીએમ સુનકની અનોખી સ્ટાઈલ જોવા મળી રહી છે. સુનક લંડન ટ્યુબ સ્ટેશન પર મુસાફરોને પોપીઝ (એક પ્રકારનું ફૂલ) વેચતા જોવા મળ્યા હતા. પોતાના ટોચના નેતાને આવું કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ ફૂલોને કાગળમાંથી બનાવવામાં આવ્યા હતા અને સુનકે ભંડોળ ઊભું કરવા માટે એક ફૂલ ૫ પાઉન્ડમાં વેચ્યું હતું. આ ભંડોળ રોયલ બ્રિટિશ લીજનના વાર્ષિક લંડન પોપી ડે માટે એકત્ર કરવામાં આવ્યું હતું. યુકેના પીએમ બ્રિટિશ આર્મી, નેવી અને એરફોર્સના સ્વયંસેવકોનો ભાગ બન્યા જે ઘરે-ઘરે જઈને લોકો પાસે દાન માંગી રહ્યા છે.

આવા જાહેર સ્થળે પીએમ સુનકની હાજરીને કારણે સામાન્ય લોકોને તેમની સાથે આવીને વાત કરવાનો મોકો મળ્યો. ઘણા લોકોએ તેમના વડાપ્રધાન સાથે સેલ્ફી લીધી અને તેમની સાથે થોડી ચર્ચા કરી. આ પછી કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી અને પોતાનો અનુભવ જણાવ્યો. લોકોએ ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન સાથે વાતચીત કરવાના અનુભવને અદ્ભુત ગણાવ્યો.

 

(7:10 pm IST)