Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

મેટાના ભારતીય યુનિટના વડા અજિત મોહનનું રાજીનામું

સોશિયલ મીડિયા કંપનીઓના હોદ્દેદારોમાં ફેરફાર : અજિતે કંપનીની બહાર બીજી તક શોધવા માટે પદભાર છોડ્યો હોવાનો નિકોલા મેન્ડેલસન દ્વારા સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.૪ : અગાઉ ફેસબૂકના નામે ઓળખાતી મેટાના ભારતીય યુનિટના વડા, વીપી અને એમડી અજિત મોહને અચાનક રાજીનામું આપી દીધું છે. મોહનનું રાજીનામું ૩ નવેમ્બર, ૨૦૨૨થી તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું છે. કંપની દ્વારા મોહનના અચાનક રાજીનામાનું કારણ જણાવવામાં આવ્યું નથી પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ મેટા સાથે છેડો ફાડીને અન્ય એક દિગ્ગજ સોશિયલ વીડિયો મેસેંજિંગ એપ સાથે જોડાઈ શકે છે.

અજિત મોહન જાન્યુઆરી ૨૦૧૯માં ફેસબુક સાથે જોડાયા હતા અને સબુક ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. મેટાના ગ્લોબલ બિઝનેસ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ નિકોલા મેન્ડેલસને એક નિવેદનમાં જણાવ્યું કે અજિતે કંપનીની બહાર બીજી તક શોધવા માટે પદભાર છોડ્યો છે. કંપની તેમની આ ૪ વર્ષની સેવા બદલ આભારી છે. આ સમયગાળામાં બદલાઈ રહેલ ભારતમાં કંપનીની કામગીરીને આકાર આપવા અને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અજિત મોહન જાન્યુઆરી ૨૦૧૯માં હોટસ્ટાર છોડીને મેટામાં જોડાયા હતા. મેટા અગાઉ ફેસબુક તરીકે ઓળખાતું હતું. મેન્ડેલસને કહ્યું "અમે ભારતના બજાર માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. અજિત બાદ પણ અમારી પાસે ભારતીય કારોબારને આગળ વધારવા માટે એક મજબૂત ટીમ છે.*

અહેવાલ અનુસાર અજિત મોહન વીડિયો એપ, સ્નેપચેટ સાથે જોડાઈ શકે છે. એશિયા-પેસિફિક બિઝનેસના પ્રમુખ તરીકે સેવા આપશે.

મેટાના પ્રવક્તાએ જણાવ્યું છે કે કે મેટા ઇન્ડિયાના ડિરેક્ટર અને હેડ ઓફ પાર્ટનરશિપ, મનીષ ચોપરાને હાલ કાર્યકારી ધોરણે કમાન સોંપવામાં આવી છે.

(7:10 pm IST)