Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

દાઉદના સાગરિત એજાઝને જેલમાં મચ્છરો સતાવે છે

૨૦૨૦માં પકડાયા બાદથી ગેંગસ્ટર જેલમાં છે : મચ્છરો ભરેલી પ્લાસ્ટિકની બોટલ સાથે કોર્ટમાં મચ્છરદાની આપવા ગેંગસ્ટરે કરેલી અપીલ ફગાવી દેવાઈ

નવી મુંબઈ, તા.૪ : એક સમયે મુંબઈમાં લોકો જેનાથી થર થર કાંપતા હતા તે દાઉદ ગેંગનો સભ્ય અને ગેંગસ્ટર એજાઝ લાકડાવાલા મચ્છરોથી હવે ધ્રૂજી રહ્યો  છે.

લાકડાવાલાએ કોર્ટમાં હાજરી આપી ત્યારે તે મચ્છરો ભરેલી પ્લાસ્ટિકની બોટલ લઈને આવ્યો હતો અને અદાલત સમક્ષ અપીલ કરી હતી કે મને જેલમાં મચ્છરદાની આપવામાં આવે.જોકે કોર્ટે તેની અપીલને ફગાવી દીધી હતી.

ભાગેડુ ગેંગસ્ટર દાઉદના સાગરિત એવા લાકડાવાલા પર ગંભીર અપરાધો નોંધાયેલા છે.તેને ૨૦૨૦ના જાન્યુઆરી મહિનામાં પકડવામાં આવ્યો હતો અને ત્યારથી તેને નવી મુંબઈની તળોજા જેલમાં રાખવામાં આવ્યો છે.તાજેતરમાં જ મચ્છરદાની માટે તેણે અદાલત સમક્ષ અરજી કરી હતી.

લાકડાવાલાએ કહ્યુ હતુ કે, ૨૦૨૦માં જ્યારે મને આ જેલમાં રાખવામાં આવ્યો ત્યારે શરૂઆતમાં મને મચ્છરદાની વાપરવા માટે મંજૂરી અપાઈ હતી પણ આ વર્ષના મે મહિનામાં અધિકારીઓએ સુરક્ષાનુ કારણ આગળ ધરીને મારી પાસેથી મચ્છરદાની જપ્ત કરી લીધી હતી.

લાકડાવાલાને ગુરૂવારે સુનાવણી માટે કોર્ટમાં હાજર કરાયો ત્યારે તેણે મચ્છરો ભરેલી પ્લાસ્ટિકની બોટલ કોર્ટને બતાવી હતી અને કહ્યુ હતુ કે, કેદીઓને રોજ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

જેલ અધિકારીઓએ જોકે અરજીનો સુરક્ષાના કારણસર વિરોધ કરીને કહ્યુ હતુ કે, લાકડાવાલા પાસે મચ્છરોને ભગાડવા માટે ઓડોમસ અને બીજા વિકલ્પ છે.આ દલીલને કોર્ટે મંજૂર રાખી હતી.

 

 

 

 

(7:11 pm IST)