Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

સેન્સેક્સમાં ૧૧૪, નિફ્ટીમાં ૬૪ પોઈન્ટનો વધારો જોવાયો

ફ્લેટ શરૂઆત બાદ શેરબજાર તેજી સાથે બંધ રહ્યું : બજારને મેટલ અને સરકારી બેન્કિંગ શેરોનો મહત્તમ ટેકો મળ્યો હતો, જેએસડબ્લ્યુ સ્ટીલ ટાટા સ્ટીલ ટોપ ગેનર્સ

મુંબઈ, તા.૪  : ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે આજનો દિવસ લાભદાયક રહ્યો. સપાટ શરૂઆત પછી આછા લાલ નિશાનમાં ગયા પછી, શેરબજારે જોરદાર પુનરાગમન કર્યું અને બંને મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ ૧૧૩.૯૫ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા પર ૬૦,૯૫૦.૩૬ પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એનએસઈ નિફ્ટી ૬૪.૪૫ પોઈન્ટ અથવા ૦.૩૬ ટકા વધીને ૧૮,૧૧૭.૧૫ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ભારતીય બજાર આજે સપાટ શરૂઆત પછી ઝડપથી બંધ થયું છે. બજારને મેટલ અને સરકારી બેક્નિંગ શેરોનો મહત્તમ ટેકો મળ્યો હતો. જેએસડબ્લ્યુ સ્ટીલ ટાટા સ્ટીલ અને હિન્દાલ્કો ટોપ ગેનર્સમાં હતા.

મેટલ, સરકારી બેંકો અને એનર્જી શેરોએ આજે એનએસઈ પર પ્રભુત્વ જમાવ્યું હતું, જ્યારે ફાર્મા, આઈટી અને એફએમજીસી શેરોએ બજાર પર દબાણ તરીકે કામ કર્યું હતું. આજે લાર્જ કેપ સાથે નાના અને મધ્યમ શેરોમાં સારી ખરીદારી જોવા મળી હતી. અદાણી એન્ટરપ્રાઈઝ, હિન્દાલ્કો, બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, યુપીએલ અને એસબીઆઈ નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા, જ્યારે હીરો મોટોકોર્પ, સિપ્લા, ડૉ રેડ્ડી લેબ્સ, બીપીસીએલ, એચડીએફસી લાઈફ, ઈન્ફોસિસ એચયુએલ, દીવિસ લેબ્સ ટોપ લુઝર્સમાં સામેલ હતા.

એશિયન બજારોમાં ટોક્યો સિવાય શાંઘાઈ, હોંગકોંગ, તાઈવાન, બેંગકોક અને સિયોલના બજારો ઉછાળા સાથે બંધ થયા છે. આ સાથે યુરોપિયન બજારો પણ સમાચાર લખાય છે ત્યાં સુધી વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે ડોલર સામે રૂપિયામાં થયેલા ઘટાડા પર બ્રેક જોવા મળી હતી. ડૉલરના મુકાબલે રૂપિયો ૪૭ પૈસા સુધરીને ૮૨.૪૧ પર બંધ થયો છે. આજે ડોલર સામે રૂપિયો ૮૨.૮૫ પર ખૂલ્યો હતો, જે પછી શરૂઆતના વેપારમાં જ તે ૨૫ પૈસા વધીને ૮૨.૬૩ પર પહોંચ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન ડોલર સામે રૂપિયો સતત વધતો રહ્યો અને ૮૨.૪૧ પર બંધ થયો.

(7:12 pm IST)