Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અમરનાથ યાત્રાના ૬૩૫૧ તીર્થયાત્રીઓનો સાતમો જથ્‍થો જમ્‍મુથી રવાના

ભારે વરસાદ બાદ પહલગામ-બાલતાલ રૂટ પર યાત્રા સ્‍થગિત : લેફ્‌ટનન્‍ટ ગવર્નર મનોજ સિન્‍હાએ બાલટાલ બેઝ કેમ્‍પ ખાતે યાત્રાની વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી ભાવિકો સાથે વાતચીત કરી

 શ્રીનગર,તા.૫ : રાતથી વરસાદ અને ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે પ્રશાસને બાલટાલ અને પહલગામ રૂટ પર ભૂસ્‍ખલન થવાની સંભાવનાને કારણે આજે સવારે નીકળનારી યાત્રાને મોકૂફ રાખી છે. ભક્‍તોને હવામાન સાફ ન થાય ત્‍યાં સુધી બેઝ કેમ્‍પમાં રહેવા માટે કહેવામાં આવ્‍યું છે. જો કે વરસાદ વચ્‍ચે જમ્‍મુથી બાબા અમરનાથ યાત્રીઓની સાતમી ટુકડીને કાશ્‍મીર ઘાટીમાં રવાના કરવામાં આવી હતી. આજે મંગળવારે રવાના થયેલી બેચમાં ૬૩૫૧ યાત્રાળુઓ સામેલ હતા.

 વહીવટી અધિકારીઓએ જણાવ્‍યું કે કાશ્‍મીરમાં વરસાદની પ્રક્રિયા રાત્રે જ શરૂ થઈ ગઈ હતી. પહલગામ અને બાલતાલ રોડ પર વરસાદના કારણે ભૂસ્‍ખલનની શકયતા છે. શ્રી અમરનાથની પવિત્ર ગુફામાં પણ હવામાન સાફ નથી. વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. આ જ કારણ છે કે યાત્રાળુઓની સલામતી સુનિતિ કરવા માટે વરસાદ બંધ ન થાય અને હવામાન સાફ ન થાય ત્‍યાં સુધી યાત્રા સ્‍થગિત કરવામાં આવી છે. શિબિરોમાં રોકાયેલા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સમસ્‍યા નથી. બેઝ કેમ્‍પમાં યાત્રાળુઓ માટે પૂરતી વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ છે.

 છેલ્લા છ દિવસમાં ૬૫ હજારથી વધુ ભક્‍તોએ બાબા બર્ફાનીને શ્રી અમરનાથની પવિત્ર ગુફામાં બેઠેલા જોયા છે. આ દરમિયાન પાંચ લોકોએ જીવ પણ ગુમાવ્‍યા છે. લેફ્‌ટનન્‍ટ ગવર્નર મનોજ સિન્‍હા પોતે સોમવારે બાલટાલ બેઝ કેમ્‍પ પહોંચ્‍યા હતા અને મુસાફરીની વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી હતી. તેમણે શ્રદ્ધાળુઓ માટે ત્‍યાં કરવામાં આવેલી વ્‍યવસ્‍થાની સમીક્ષા કરવાની સાથે દેશના અન્‍ય રાજ્‍યોમાંથી આવતા યાત્રાળુઓ સાથે વાતચીત પણ કરી હતી.  યાત્રાની વ્‍યવસ્‍થા પર સંતોષ વ્‍યક્‍ત કરતા શ્રદ્ધાળુઓએ લેફ્‌ટનન્‍ટ ગવર્નરને કહ્યું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સતત યાત્રા પર આવી રહ્યા છે, પરંતુ આ વખતે જે રીતે તેમને સુવિધાઓ આપવામાં આવી છે અને સુરક્ષા સુનિતિ કરવામાં આવી છે, તે -પ્રશંસનીય છે.

એક અધિકારીએ કહ્યું કે વરસાદ બંધ થયા પછી, બંને માર્ગોની સમીક્ષા કરવામાં આવશે. યાત્રાનો રૂટ યાત્રાળુઓની અવરજવર માટે યોગ્‍ય જણાશે તો તરત જ યાત્રા શરૂ કરવામાં આવશે. સેના, અર્ધલશ્‍કરી દળો અને વિવિધ વિભાગોની ટીમો સતત યાત્રાના રૂટ પર નજર રાખી રહી છે.

(3:12 pm IST)