Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સંસદ,ચૂંટણી પંચ અપરાધીઓને રાજકારણમાં આવતા અટકાવે : હાઇકોર્ટ

રાજકારણીઓએ અપરાધીઓ અને અધિકારીઓની વચ્‍ચેની ગેરકાયદે સાઠગાંઠને દૂર કરવી જોઇએ

લખનઉ,તા.૬: અલાહાબાદ હાઇકોર્ટની લખનઉની ખંડપીઠે કહ્યું હતું કે સંસદ અને ચૂંટણી પંચે રાજકારણમાંથી અપરાધીઓને દૂર કરવા માટે સામૂહિક પગલાં લેવાં જોઈએ. રાજકારણીઓએ અપરાધીઓ અને અધિકારીઓની વચ્‍ચેની ગેરકાયદે સાઠગાંઠને દૂર કરવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ દિશામાં જરૂરી પગલાં લેવાં આદેશ આપ્‍યાં છે, પરંતુ અત્‍યાર સુધી ચૂંટણી પંચ અને સંસદે આવું કરવા માટે સામૂહિક ઇચ્‍છાશક્‍તિ નથી દર્શાવી. 

જસ્‍ટિસ દિનેશકુમાર સિંહે BSPના સાંસદ અતુલકુમાર સિંહ ઉર્ફે અતુલ રાયની જામીન અરજી ફગાવી દીધી હતી. કેસને પરત લેવા માટેની પીડિતા અને તેમના સાક્ષીઓ પર ગેરકાયદે દબાણ કરવાના આરોપમાં રાય જેલમાં બંધ છે. તેમના દબાણને કારણે પીડિતા અને તેમના સાક્ષીએ ફેસબુક પર લાઇવ આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. એ પછી ગંભીર સ્‍થિતિમાં બંને જણને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા, જયાં તેમનું મોત થયું હતું. આ કેસમાં હજરતગંજ પોલીસ સ્‍ટેશનમાં સાંસદ રાય અને ભૂતપૂર્વ આઇપીએસ અમિતાભ ઠાકુર પર પ્રાથમિક કેસ નોંધવામાં આવ્‍યો હતો.  

રાયની સુનાવણી દરમ્‍યાન કોર્ટના ધ્‍યાનમાં આવ્‍યું હતું કે તેમની સામે કુલ ૨૩ કેસોનો ગુનાઇત ઇતિહાસ છે. આ ઉપરાંત કોર્ટના ધ્‍યાનમાં આવ્‍યું હતું કે ૨૦૦૪ની લોકસભામાં ૨૪ ટકા, ૨૦૦૯ની લોકસભામાં ૩૦ ટકા, ૨૦૧૪ની લોકસભામાં ૩૪ ટકા અને ૨૦૧૯ની લોકસભામાં ૪૩ ટકા સભ્‍યો ગુનાઇત પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે એ સંસદની સામૂહિક જવાબદારી છે કે ગુનાઇત છબિ ધરાવતા લોકોને રાજકારણમાં આવતા અટકાવે અને લોકશાહીને બચાવે.

(10:24 am IST)