Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓથી પણ ખતરનાક ગણાતા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટની એન્ટ્રી : અમેરિકાનો દાવો

ઇસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં મજબૂત બને તેનો ભારતને પણ ખતરો:પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓની પણ પરેશાની વધી શકે

અફઘાનિસ્તાન પર કટ્ટરપંથી તાલિબાની સંગઠનનો કબ્જો છે પરંતુ તાલિબાનીઓથી પણ ખતરનાક ગણાતા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે અફઘાનિસ્તાનમાં એન્ટ્રી કરી હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. 

અમેરિકાએ 20 વર્ષ પછી પોતાની આર્મી અફઘાનિસ્તાનમાંથી ખસેડી લીધી એ પછી તાલિબાનીઓ વિરુધ આતંકી સંગઠનો સક્રિય બન્યા છે. મસ્જિદોમાં થઇ રહેલા હુમલાઓ સહિતની હિંસક ઘટનાઓ માટે ખતરનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ જવાબદાર હોવાનું મનાય છે. ઇસ્લામિક સ્ટેટની ક્રુરતા ઇરાક અને સીરિયામાં દુનિયાએ જોઇ છે એ જોતા આ સંગઠન તાલિબાની સંગઠન કરતા પણ ખતરનાક છે. 

નિષ્ણાતોનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટની શાખા ઇસ્લામિક સ્ટેટ (ખોરાસન) આઇએસઆઇએસ- કે પહેલાથી જ સક્રિય છે. સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ નબળું પડયું હોવાથી તે અફઘાનિસ્તાનમાં પોતાનું વજૂદ સ્થાપવા પ્રયત્નશીલ છે. તાલિબાની સંગઠનથી નારાજ આતંકીઓ ઇસ્લામિક સ્ટેટમાં જોડાઇ રહયા છે. એક અંદાજ મુજબ 2000 જેટલા ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ હોવાની શકયતા છે.

અમેરિકાના ચેરમેન ઓફ ધ યૂએસ જોઇન્ટ ચિફસ ઓફ સ્ટાફ જનરલ માર્ક મિલેએ તો એવી સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઇસ્લામિક સ્ટેટ અને બીજા આતંકવાદી ગ્રુપો અફઘાનિસ્તાનમાં ફરી સંગઠીત થવાનો પ્રયાસ કરી રહયા છે. જો કે હજુ તેમાં સફળ થયા નથી પરંતુ આતંકી જૂથો અફઘાનિસ્તાનમાં નશીલા પદાર્થોની દાણચોરી કરીને ફંડ પણ એકઠું કરી રહયા છે. આ વાત જનરલ માર્ક મિલેએ સંરક્ષણમંત્રી લોયડ ઓસ્ટીનની હાજરીમાં સીનેટમાં કરી હતી. જો કે અમેરિકા માટે આનો કોઇ ખતરો હોવાનો ઇન્કાર કર્યો હતો.

ઇસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં મજબૂત બને તેનો ભારતને પણ ખતરો છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓની પણ પરેશાની વધી શકે છે. ચીનના શિનચિંયાગ પ્રાંતમાં ઉઇગૂર મુસ્લિમો રહે છે. ચીન સરકાર તેમના પર અત્યાચારો કરે છે આથી ઇસ્લામિક સ્ટેટ શિનચિંયાગમાં પણ પોતાનું નેટવર્ક વિસ્તારી શકે છે. સમગ્ર દક્ષિણ એશિયાની સ્થિરતા અને શાંતિ પર ઇસ્લામિક સ્ટેટ અસર કરી શકે છે. 

(12:42 am IST)