Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ઈડીએ શાઓમીના અધિકારીઓ સાથે શારીરિક હિંસા આચરી,ધમકી આપી

ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપનીનો આરોપઃચીની કંપનીના અધિકારીઓએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી

નવી દિલ્હી, તા.૭ ઃ ચીની સ્માર્ટફોન ઉત્પાદક કંપની શાઓમી દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે ઈડી દ્વારા તેમના અધિકારીઓને ધમકાવવામાં આવ્યા છે અને તેમના સાથે શારીરિક હિંસા પણ આચરવામાં આવી છે. કંપનીના કહેવા પ્રમાણે ભારતમાં નાણાકીય અપરાધ સાથે સંકળાયેલી એજન્સી દ્વારા પુછપરછ દરમિયાન તેમના વરિષ્ઠ અધિકારીઓએ શારીરિક હિંસા, બળજબરી અને ધાકધમકીનો સામનો કરવો પડ્યો છે.

ચીની કંપનીના અધિકારીઓએ ગત ૪ મેના રોજ આ મામલે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે આ જાણકારી સામે આવી છે. કોર્ટમાં સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, ઈડીના અધિકારીઓએ શાઓમી કોર્પ.ના ભારતના પૂર્વ એમડી મનુ કુમાર જૈન, વર્તમાન નાણાકીય અધિકારી સમીર બીએસ રાવ અને તેમના પરિવારોને 'ગંભીર પરિણામ'ની ચેતવણી આપી હતી. સાથે જ કહ્યું હતું કે, જો તેમણે એજન્સી ઈચ્છે છે તે પ્રમાણેનું નિવેદન ન આપ્યું તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.

ઈડીના અધિકારીઓ દ્વારા હાલ આ મુદ્દે કોઈ પણ પ્રકારની ટિપ્પણી નથી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, ફોરેક્સ કાયદાના ઉલ્લંઘન મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ રેડમી (રેડમી)અને એમઆઈ (એમઆઈ)જેવી લોકપ્રિય મોબાઈલ ફોન બ્રાન્ડ બનાવતી ચીની કંપની શાઓમી ઈન્ડિયાની રૃ. ૫,૫૫૧ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી જેના પર કર્ણાટક હાઈકોર્ટ દ્વારા સ્ટે લગાવી દેવામાં આવ્યો છે.

(8:11 pm IST)