Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ધરપકડ કેમ નહિ : તમારા 'પગલા'થી અમે નાખુશ : યોગી સરકારને ઝાટકતી કોર્ટ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીકાંડમાં ૪ ખેડૂતો સહિત ૮ લોકોની હત્યા મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી : શું આરોપી આમ આદમી હોત તો છૂટ મળત ? હત્યાના આરોપીઓને નોટીસ મોકલી પોલીસ બોલાવે છે ? સુપ્રિમ કોર્ટ કાળઝાળ

નવી દિલ્હી તા. ૮ : સુપ્રિમ કોર્ટે આજે લખીમપુર ખીરી મામલે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, અમે આ મામલાની તપાસમાં યુપી સરકારે લીધેલા પગલાથી ખુશ નથી. કોર્ટે આ મામલે આકરી ટીપ્પણી કરતા કહ્યું હતું કે, શું આરોપી આમ આદમી હોત તો તેને આટલી છૂટ મળત ? મુખ્ય ન્યાયધીશે રાજ્ય સરકારને ફટકાર લગાવતા સવાલ કર્યો હતો કે શું હત્યાના આરોપીઓને પોલીસ નોટીસ આપી પૂછપરછ માટે બોલાવે છે ?

કોર્ટે કહ્યું હતું કે, એસઆઇટીમાં માત્ર સ્થાનિક અધિકારીઓને જ રખાયા છે. આ મામલો એવો નથી જે સીબીઆઇને સોંપવો પણ યોગ્ય નહિ રહે. કોર્ટે યુપી સરકારને સવાલ કર્યો હતો કે જ્યારે મામલામાં મૃત્યુ કે બંધુકની ગોળીથી ઘાયલ થવા જેવા ગંભીર આરોપ લાગ્યા હોય ત્યારે પણ શું આરોપીઓ સાથે આવો વ્યવહાર થાય છે ? હવે આશા છે કે સરકાર યોગ્ય પગલા લેશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે લખીમપુર ખીરી હિંસા કેસની તપાસમાં ઉત્ત્।ર પ્રદેશ સરકાર દ્વારા કરાયેલી કાર્યવાહીથી ખુશ નથી. ચીફ જસ્ટિસ એનવી રમનાએ યુપી સરકારને પોતાના ડીજીપીને એ સુનિશ્યિત કરવાનું કહ્યું કે જયાં સુધી કોઈ અન્ય એજન્સી તેને સંભાળે ત્યાં સુધી આ કેસના પુરાવા સુરક્ષિત રહે. કેસમાં યુપી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલવેએ દલીલો રજુ કરી. સુનાવણી દરમિયાન કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી. આગામી સુનાવણી હવે ૨૦ ઓકટોબરે થશે.

સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારનો પક્ષ રજુ કરતા જાણીતા વકીલ હરીશ સાલવેએ દલીલ આપી કે લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા ખેડૂતોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળી વાગવાની વાત સામે આવી નથી. પોલીસને ત્યાંથી જોકે બે કારતૂસ જરૂર મળ્યા છે. શકય છે કે આરોપીઓની કોઈ ખરાબ દાનત હોય. જેના પર ચીફ જસ્ટિસે સાલવેને સવાલ કરતા કહ્યું કે તો શું આરોપીઓને કસ્ટડીમાં ન લેવાનું શું આ કારણ હતું?

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આરોપ ૩૦૨નો છે. તમે તેને પણ એવી જ રીતે ટ્રિટ કરો જે રીતે બાકીના કેસમાં મર્ડર કેસમાં આરોપી સાથે ટ્રિટ કરાય છે. કોર્ટે કહ્યું એવું ના હોય કે નોટિસ આપવામાં આવી છે પ્લિઝ આવી જાઓ. પ્લિઝ આવી જાઓ. તેના પર સાલવેએ કહ્યું કે આ ૩૦૨નો કેસ હોઈ શકે છે. બેન્ચે આશ્ચર્ય જતાવતા કહ્યું કે ૩૦૨ હોઈ શકે છે? ચીફ જસ્ટિસે કહ્યું કે ઘટનાસ્થળે પ્રત્યક્ષદર્શી છે અમારો મત છે કે જયાં ૩૦૨નો આરોપ છે તે ગંભીર મામલો છે અને આરોપી સાથે એવો જ વ્યવહાર થવો જોઈએ જેવો બાકી કેસમાં આરોપીઓ સાથે થાય છે. શું  બાકી કેસમાં આરોપીને નોટિસ આપવામાં આવે છે કે તમે પ્લિઝ આવી જાઓ?

વકીલ સાલવેએ કહ્યું કે આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગોળી મારવામાં આવી છે. પરંતુ ગોળીની વાત પોસ્ટમોર્ટમમાં નથી. ચીફ જસ્ટિસે કહ્યું કે આરોપીને ન પકડવા પાછળ શું આ ગ્રાઉન્ડ છે? કોર્ટના સવાલ પર સાલવેએ કહ્યું કે ના, કેસ ગંભીર છે. ચીફ જસ્ટિસે કહ્યું કે બિલકુલ ગંભીર કેસ છે. પરંતુ કેસને એ રીતે જોવામાં નથી આવતો....અમે સમજીએ છીએ કે આ પ્રકારે કાર્યવાહી ન થવી જોઈએ. કથની અને કરણીમાં ફરક જોવા મળી રહ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે સાધારણ સ્થિતિમાં ૩૦૨ એટલે કે મર્ડર કેસમાં પોલીસ શું કરે છે? તે આરોપીને ધરપકડ કરે છે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે આરોપી ગમે તે હોય કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ.

(3:33 pm IST)