Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

પાકિસ્તાનમાં ઘૂસેલા ૨૦૦ અફઘાનોને પાછા મોકલાયા

અફઘાનમાં પગપાળા બોર્ડર ક્રોસ કરતા લોકો : કેટલાક અફઘાન નાગરિકો ક્વેટા સુધી પહોંચી ગયા હતા, પાકિસ્તાનની પોલીસે તેમને શોધી કસ્ટડીમાં લીધા હતા

લાહોર, તા. : અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ હવે એરપોર્ટ બંધ છે પણ લોકો તાલિબાનના શાસનથી બચવા હવે પગપાળા પણ બોર્ડર ક્રોસ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

આવી રીતે પાકિસ્તાનમાં જઈ ચઢેલા ૨૦૦ કરતા વધારે અફઘાન નાગરિકોને પાકિસ્તાને ફરી અફઘાનિસ્તાનમાં મોકલી દીધા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો ત્યારે હજારો લોકો દેશ છોડીને ભાગવા માંગતા હતા. મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાન બોર્ડર પર પણ પહોંચ્યા હતા. પૈકીના કેટલાક લોકોએ સરહદ પરના રેલવે સ્ટેશન પર રાત ગુજારી હતી.

કેટલાક અફઘાન નાગરિકો ક્વેટા સુધી પહોંચી ગયા હતા. જોકે પાકિસ્તાની પોલીસે તેમને શોધી કાઢીને કસ્ટડીમાં લીધા હતા. પાકિસ્તાની અખબારના દાવા પ્રમાણે આવા ૨૦૦ જેટલા અફઘાન નાગરિકોને પાકિસ્તાને પાછા મોકલી દીધા છે.

હાલમાં પાકિસ્તાનમાં ૩૦ લાખ અફઘાનો રહે છે.જેમની પાસે પાસપોર્ટ અને વિઝા છે તેમને એન્ટ્રી આપવામાં આવી રહી છે. બીજી તરફ અમેરિકન સેનાએ તાલિબાનના શાસન બાદ હાથ ધરેલા રેસ્ક્યુ ઓપરેશનમાં પણ હજારો અફઘાનોને દેશમાંથી બહાર કાઢ્યા છે.

(12:00 am IST)