Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

કર્ણાટક હાઈકોર્ટે કાવેરી કોલિંગ પ્રોજેક્ટ સામે થયેલી અરજી ફગાવી :કહ્યું -ઉજ્જડ જમીન પર વૃક્ષો વાવવા એ ગુનો નથી

સરકારી જમીન પર વૃક્ષો વાવવા પર પ્રતિબંધ હોવાનું માનવામાં આવે તો તે વિનાશ સર્જશે

બેંગલુરુ : કર્ણાટક હાઈકોર્ટે જગ્ગી વાસુદેવના ઇશા આઉટરીચ ફાઉન્ડેશનને કાવેરી કોલિંગ પ્રોજેક્ટ માટે લોકો પાસેથી ભંડોળ એકત્રિત ન કરવા નિર્દેશ આપવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, ઉજ્જડ જમીન પર વૃક્ષો વાવવા એ ગુનો નથી. જુલાઈ 2019માં શરૂ કરવામાં આવેલી ઇશા ફાઉન્ડેશનનું કહેવું છે કે, આ પહેલનો ઉદ્દેશ કાવેરી નદીના બેઝિન પર 242 કરોડ વૃક્ષો રોપવા માટે ખેડૂતોને મદદ કરવાનો છે.

 અહેવાલ મુજબ કોર્ટે આ કેસમાં કહ્યું હતું કે, હાલના કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે કે, કાવેરી કોલિંગ પ્રોજેક્ટ તેમનો પ્રોજેક્ટ નથી અને રોપાનું વાવેતર સરકારી જમીન પર અથવા જાહેર જમીન પર કરવામાં આવી રહ્યું નથી. તેથી કાવેરી કોલિંગ જેવા ઉમદા પ્રોજેક્ટમાં અદાલત દ્વારા હસ્તક્ષેપનો પ્રશ્ન ઊભો થતો નથી.

બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર એડવોકેટ એ વી અમરનાથને આ પહેલ સામે અરજી કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, સરકાર એક ખાનગી સંસ્થાને પ્રોજેક્ટની અસરનો અભ્યાસ કર્યા વિના રોપા રોપવા માટે તેની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી રહી છે. ગયા વર્ષે કોર્ટે અરજદારને પક્ષકાર પદેથી દૂર કર્યા બાદ PILને સુઓ મોટો કેસ તરીકે ફેરવી હતી.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સતીશચંદ્ર શર્મા અને ન્યાયાધીશ સચિન શંકર મગડુમની બનેલી ડિવિઝન બેંચે એડવોકેટ એ.વી.અમરનાથન દ્વારા 2019માં દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ કેસમાં કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે, કર્ણાટક સરકાર આ પ્રોજેક્ટને નાણાં પૂરા પાડતી નથી. ખેડૂતોને માત્ર તેમની ખાનગી જમીનો પર રોપા રોપવા માટે પ્રોત્સાહિત કરીને કાવેરી નદીના બેઝિન પર આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ કેસમાં કોર્ટે સુપ્રીમ કોર્ટનો આદેશ પણ ટાંકયો હતો.

કોર્ટે એમ પણ કહ્યું કે, કોઈ પણ નાગરિકને સરકારી જમીન પર રોપા રોપવા પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો કોર્ટની નોટિસ પર લાવવામાં આવ્યો નથી અને ઇશા આઉટરીચ સરકારી જમીન પર વૃક્ષો રોપતું નથી. ઉજ્જડ જમીન પર વૃક્ષો વાવવા એ ગુનો નથી. સરકારી જમીન પર વૃક્ષો વાવવા પર પ્રતિબંધ હોવાનું માનવામાં આવે તો તે વિનાશ સર્જશે. NGO દ્વારા સરકારી જમીનમાં ચાલી રહેલા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ અટકી જશે.

કોર્ટે ઉમેર્યું કે, આપણે વનીકરણની બાબતમાં ઇશા આઉટરીચ દ્વારા લેવામાં આવેલા પગલાં રેકોર્ડ પર લેવા જોઈએ. આ અરજી ફાગવવાને પાત્ર હોવાનું પણ કોર્ટે કહ્યું હતું. કોર્ટે ભૂતકાળમાં અરજદારના નિરર્થક PIL દાખલ કરવા બદલ અરજદાર પર દંડ લાદવામાં આવ્યો હોવાની વાત પણ નોંધી હતી અને હાલનો કેસ પણ દંડ લાદવા યોગ્ય હોવાનું કહ્યું હતું.

આ અરજીને નિરર્થક ગણાવતા ખંડપીઠે કહ્યું હતું કે, હકીકતમાં કોઈ પણ સમજદાર વ્યક્તિ પોતાની ખાનગી જમીન પર વૃક્ષારોપણ કરતા વ્યક્તિને રોકવા માટે આવી PIL દાખલ કરે નહીં.

આ દરમિયાન એમિકસ ક્યુરિયા બીવી વિદ્યુલાથાએ દલીલ કરી હતી કે, અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આશરે 253 કરોડ વૃક્ષો રોપવા માટે પ્રતિ રોપા દીઠ 42 રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા. જેના ટોટલ 10,626 કરોડ રૂપિયા છે. આ પૈસા બિનહિસાબી ન હોવા જોઈએ. ત્યારે વરિષ્ઠ સલાહકાર ઉદય હોલાએ દલીલ કરી હતી કે, પ્લાન્ટ દીઠ 43 રૂપિયા જાહેર સેવાભાવી ટ્રસ્ટ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને બધો હિસાબ છે.

આ કેસની અગાઉની સુનાવણીમાં ઈશા આઉટરીચ ફાઉન્ડેશનનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર એડવોકેટ ઉદય હોલાએ દલીલ કરી હતી કે, વૃક્ષો રોપવા માટેની કોઈપણ પહેલને આવકારવી જોઈએ. લોકો પાસેથી ભંડોળ એકત્ર કરવાના મામલે હોલાએ કહ્યું હતું કે, આ સંસ્થા જાહેર સેવાભાવી ટ્રસ્ટ છે. જે દર વર્ષે તેના એકાઉન્ટ જાહેર કરે છે.

ઉલ્લેખનીય છે કે, 2020માં હાઈકોર્ટે ઇશા આઉટરીચ ફાઉન્ડેશનને પૂછ્યું હતું કે, કઈ સત્તા હેઠળ તે ખેડૂતો પાસેથી નાણાં એકત્રિત કરી રહી છે? તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ અભય ઓકાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે પૂછ્યું હતું કે, તમે લોકોને પૈસા ચૂકવવા દબાણ કર્યું નથી એવું દર્શાવતું સોગંદનામું ક્યાં છે? જાન્યુઆરીમાં કોર્ટે ઇશા ફાઉન્ડેશનને કાવેરી કોલિંગ પ્રોજેક્ટ માટે એકત્રિત કરેલી રકમ જાહેર કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ખંડપીઠે કહ્યું હતું કે તમે આધ્યાત્મિક સંસ્થા છો તેથી તમે કાયદાથી બંધાયેલા નથી તેવી છાપ ન રાખો. બાદમાં ઇશા ફાઉન્ડેશને કોર્ટને જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં પેટા સંસ્થા ઇશા આઉટરીચ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

(9:30 am IST)