Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ખેડૂતોના આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : ચાલુ સીઝન માટે રવિ પાકના MSP માં કર્યો વધારો

ઘઉં માટે એમએસપીમાં 40 રૂપિયા અને મસૂર, રેપસીડ તથા સરસવના એમએસપીમાં પણ વધારો કર્યો

 

નવી દિલ્હી :  કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2022-23ની સીઝન માટે રવી પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)માં વધારો કર્યો છે. કૃષિ કાયદાને લઇને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલન વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ઘઉં માટે એમએસપીમાં 40 રૂપિયાનો વધારો કર્યો છે, જે હવે 2015 રૂપિયા સુધી પહોચી ગયો છે, જ્યારે જવની એમએસપી 35 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સરકાર અનુસાર, મસૂર, રેપસીડ તથા સરસવ (400 રૂપિયા પ્રતિ ક્વિન્ટરનો વધારો)ના એમએસપીમાં ગત વર્ષની તુલનામાં ઉચ્ચતમ વધારો કરવામાં આવ્યો છે, તેનાથી તમામ રવી પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો થશે.

કેન્દ્ર સરકાર તરફથી થોડા સમય પહેલા અલગ અલગ પાકની એમએસપીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સરકારનો દાવો છે કે ખેડૂતોને લઇને જે નિર્ણય કરવામાં આવ્યા છે, તેનાથી ખેડૂતોની આવક ડબલ કરવા તરફ મહત્વનું પગલુ ગણાશે.

મહત્વપૂર્ણ છે કે સરકાર તરફથી આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે કૃષિ કાયદા પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો 10 મહિના કરતા વધારે સમયથી દિલ્હીની અલગ અલગ સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

(11:54 pm IST)