Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

૩૦મી પહેલા પાનકાર્ડ સાથે આધાર લિંક નહીં થાય તો ૧૦ હજારનો દંડ

આધાર અને પાન લીંક નહીં હોય તો પાનકાર્ડને સસ્પેન્ડ કરી દેવાશે : ૫૦ હજારથી વધુની લેવડદેવડ પર પણ અસર પડવાની શકયતા

નવી દિલ્હી,તા. ૯ : પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરવા માટેની મુદતમાં સમયાંતરે વધારો કરવામાં આવ્યા બાદ આગામી ૩૦ સપ્ટેમ્બરના રોજ તે મુદત પુરી થાય છે. આ મુદત પહેલા આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક નહીં થયું હોય તો ઇન્કમટેકસ વિભાગ દ્વારા પાનકાર્ડને સસ્પેન્ડ કરી દેશે. તેના લીધે કરદાતાને ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ થશે. તેમજ ૫૦ હજારથી વધુની રકમ જમા કરાવવા કે તેની ખરીદી કરવા માટે પણ સમસ્યા સર્જાવાની છે.

લોકોના તમામ વ્યવહારો પર નજર રાખવા માટે ઇન્કમટેકસ વિભાગે પાનકાર્ડની સાથે સાથે આધારકાર્ડ લીંક કરવા માટેની જાહેરાત કરી હતી.

 તેમાં લોકોએ નીરસતા દાખવતા દર થોડા દિવસે તેની મુદતમાં વધારો કરવામાં આવતો હતો. જ્યારે આગામી ૩૦ સપ્ટેમ્બરની મુદત છેલ્લી રાખવામાં આવી છે. જેથી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કરદાતા આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક નહીં કરાવે તો કરદાતાનો પાનકાર્ડ નંબર જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. જેના લીધે કરદાતા પાનકાર્ડનો વપરાશ જ કોઇ પણ જગ્યાએ કરી શકશે નહીં. ત્યારબાદ પાનકાર્ડ પહેલાની જેમ કાર્યરત કરવા માટે ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ ઇન્કમટેકસ વિભાગ વસૂલ કરી શકે તેવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

કરદાતાએ આ સમસ્યાનો સામનો કરવો પડશે

. નવું બેંક એકાઉન્ટ ખોલાવી શકાશે નહીં . ૫૦ હજારથી વધુ રોકડ બેંકમાં જમા કરાવી શકશે નહીં . ૫૦ હજારથી વધુની ખરીદી કરી શકશે નહીં . ટીડીએસની કપાત સીધી ૨૦ ટકા થશે.

. બેંકમાંથી થતા તમામ પ્રકારના વ્યવહારો પર રોક લાગી જશે

. શેરબજારમાં કરાતા રોકાણ પણ અટકી જશે

(10:17 am IST)