Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

હવે ડિજિટલ એલપીજી પોર્ટેબિલિટી

હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે રાંધણ ગેસનો બાટલો મંગાવી શકશો

નવી દિલ્હી તા. ૯ : એલપીજી સિલિન્ડર ડિસ્ટ્રીબ્યુશનને લઈ સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ગ્રાહક હવે તેમની ઇચ્છા મુજબ ડિલિવરી ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે અને તેમની સુવિધા મુજબ કોઈપણ કંપનીનો ગેસ લઈ શકશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ટૂંક સમયમાં નવી સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. જેનું નામ ડિજિટલ એલપીજી પોર્ટેબિલિટી છે. આમાં ગ્રાહકો એલપીજી સિલિન્ડર વિતરકની પસંદગી કરી શકે છે.

ડિજિટલ એલપીજી પોર્ટેબિલીટી હેઠળ ગ્રાહક મોબાઇલ એપ્લિકેશન / પોર્ટલ દ્વારા લોગ ઇન કરીને ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે. જો તમે ઇચ્છો તો તમે સિલિન્ડર રિફિલ બુક કરી શકો છો અથવા અન્ય સુવિધાઓનો લાભ લઈ શકો છો. તમે ડિસ્ટ્રીબ્યુટરનું રેટિંગ જોઈ શકો છો જેથી ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવામાં કોઈ તકલીફ ન પડે.

એપ ઉપરાંત રાંધણ ગેસના ગ્રાહકો cx.indianoil.in પર ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ પર જઈને LPG સિલિન્ડર વિતરક પણ પસંદ કરી શકે છે. આ લિંક પર કિલક કર્યા બાદ ગ્રાહકો પોતાની પસંદગી મુજબ રિફિલ ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરી શકે છે. એપ્લિકેશન અને વેબસાઇટ બંને પર, ગ્રાહકો તેમના ક્ષેત્રમાં વિતરકોની સંપૂર્ણયાદી તેમજ સેવા અંગે અન્ય ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા રેટિંગ્સને જાણશે. આવી સ્થિતિમાં, જો ડિસ્ટ્રીબ્યુટરનું રેટિંગ બગડે તો ગ્રાહક સરળતાથી અન્ય એલપીજી ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરી શકશે. IOC અનુસાર, ગ્રાહક બુકિંગ સમયે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી પણ કરી શકશે. જો તમારી પાસે અન્ય કોઈ કંપનીનું ગેસ કનેકશન છે તો તમે કંપનીના વિતરક પાસેથી સિલિન્ડર તો જ મેળવશો જો તમે તેની એપ અથવા વેબસાઈટ દ્વારા બુક કરાવશો.

ગ્રાહકો એલપીજી રિફિલ ડિલિવરી મેળવવા માટે તેમના ક્ષેત્ર માટે જારી યાદીમાંથી કોઈપણ વિતરકની પસંદગી કરી શકે છે. આ સેવા માત્ર ગ્રાહકોને સરળતા નહીં પરંતુ વધુ સારી સેવાઓ પ્રદાન કરવા અને તેમની પાસેથી સારા રેટિંગ્સ મેળવવા માટે વિતરકોમાં હરીફાઈની ભાવનાનો વિકાસ કરશે.

એલપીજી ગ્રાહકો UMANG એપ્લિકેશન અથવા ભારત બિલ પે સિસ્ટમ દ્વારા પણ એલપીજી રિફિલ બુક કરાવી શકે છે. ચુકવણી માટે ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ વિકલ્પ પણ મળશે. તમે એમેઝોન અથવા પેટીએમ વગેરે જેવા ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરી શકશો.

કેવી રીતે એલપીજી સિલિન્ડર બુક કરી શકાય

૧. મોબાઈલ એપ અથવા IOC ના પોર્ટલની મુલાકાત લઈને લોગીન કરો.

૨. આ પછી એલપીજી વિતરકોની સંપૂર્ણ યાદી અને રેટિંગ બતાવવામાં આવશે.

૩. ઇચ્છિત વિતરકના નામ પર કિલક કરો.

૪. માંગવામાં આવેલી વિગતો ભર્યા પછી સિલિન્ડર બુક કરવામાં આવશે.

૫. તમે સરકારી એપ UMANGથી રિફિલ પણ બુક કરાવી શકો છો.

૬. રિફિલ બુકિંગની ચુકવણી ભારત બિલ પે સિસ્ટમ એપથી કરી શકાય છે.

૭. આ સિવાય એમેઝોન અને પેટીએમથી પણ પેમેન્ટ કરી શકાય છે.

(10:21 am IST)