Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

દેશમાં કોરોના સંક્રમણ મામલામાં ઉતાર ચઢાવનો ક્રમ ચાલુ

કોરોના કેસ ફરી ૪૦ હજારને પારઃ ૨૪ કલાકમાં ૩૩૮ દર્દીનાં મોત

ભારતમાં હાલ ૩,૯૩,૬૧૪ એકિટવ કેસઃ કોવિડથી મૃત્યુ પામનારા કુલ લોકોની સંખ્યા ૪,૪૧,૭૪૯એ પહોંચી

નવી દિલ્હી, તા.૯: દેશમાં કોરોના સંક્રમણ  ડરાવી રહ્યો છે. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ફરીથી ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં માત્ર કેરળમાં જ ૩૦ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧૮૧ દર્દીએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં ૪૧૦૦થી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૬૫ દર્દીનાં મોત થયા છે. આ બે રાજયોની તુલનામાં ગુજરાતમાં સંક્રમણની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. રાજયમાં ૨૪ કલાકમાં ૧૭ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાતા રિકવરી રેટ ૯૮.૭૬ ટકા છે.

સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૩,૨૬૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૩૩૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૧,૩૯,૯૮૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૭૧,૬૫,૯૭,૪૨૮ લોકોને કોરોના વેકસીન ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૬,૫૧,૭૦૧ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૩ લાખ ૪ હજાર ૬૧૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૪૦,૫૬૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૯૩,૬૧૪ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૧,૭૪૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૩,૬૮,૧૭,૨૪૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૮,૧૭,૬૩૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોવિડ-૧૯ સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૭ કેસ નોંધાયા છે. જેની સામે ૧૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. અત્યાર સુધીમાં ૫.૭ કરોડથી વદ્યુ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. આ પૈકી ૩.૭૦ કરોડથી વધુને પ્રથમ ડોઝ અને ૧.૩૨ કરોડથી વધુ વ્યકિતને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

(12:07 pm IST)