Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢેલા છોકરાએ માતાના ૧૬ તોલા દાગીના ચોરીને વેચી માર્યા

સગા બાપે દીકરા વિરુદ્ઘ પોલીસને આપી ચોરીની ફરિયાદ, છોકરો દાગીના વેચીને મળેલા રુપિયાથી ગેમ રમતો, મોબાઈલ ખરીદતો અને પાર્ટીમાં ઉડાવતો : છોકરાની મમ્મીએ ઘર સાફ કર્યું ત્યારે દાગીના ચેક કરતાં ખબર પડી કે કેટલાક દાગીના ચોરાયા છે : આરોપીના પિતાને તેના પર શંકા જતાં કરી પૂછપરછ, જેમાં છોકરાએ પોતે જ દાગીના ચોર્યાનું કબૂલ્યું : ચોરાયેલા દાગીનાની કિંમત ૪ લાખથી વધુ, પરંતુ છોકરાએ મિત્રો સાથે મળી અડધા ભાવે તેને વેચી માર્યા

પુણે, તા.૯: નાની ઉંમરે બાળકોને મોંદ્યાદાટ સ્માર્ટફોન પકડાવી દેતા માતાપિતા માટે ચેતવણીરુપ એક કિસ્સો પુણેમાં બન્યો છે. જેમાં ઓનલાઈન ગેમના રવાડે ચઢેલા એક ૧૬ વર્ષના છોકરાએ દ્યરમાંથી જ ૧૬ તોલા સોનાનાં દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ખુદ છોકરાના પિતાએ નોંધાવી છે. પોલીસે આ મામલામાં આરોપી અને તેના ત્રણ મિત્રોની અટકાયત કરી છે. ફરિયાદ મુજબ છોકરાએ ૨૮ જુલાઈથી ૩૦ ઓગસ્ટના ગાળામાં માતાના દાગીના ચોરીને જવેલરને વેચી માર્યા હતા.

છોકરો દાગીના ચોરી પોતાના મિત્રોને આપી દેતો હતો, જેઓ તેનો સોદો કરી આપતા હતા. તેના બદલામાં તે દરેક સોદા બદલ તેમને એક હજાર રુપિયા પણ આપતો. બાકીના રુપિયા તે ઓનલાઈન ગેમિંગ અને મોંદ્યા મોબાઈલ ફોન ખરીદવા પાછળ વાપરતો, તેમજ દોસ્તો સાથે પાર્ટી કરતો. એટલું જ નહીં, આરોપી રુપિયા સાથેના પોતાના ફોટોગ્રાફ્સ ઓનલાઈન ડેટિંગ એપ્સ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ મૂકતો હતો.

પુણેના ખડાક પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેકટર શ્રીહરિ બહિરાતના જણાવ્યા અનુસાર, આરોપી અને તેનો એક દોસ્ત દસમા ધોરણમાં ભણે છે, જયારે બાકીના બે છોકરા બારમા ધોરણના વિદ્યાર્થી છે. આ કેસની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે ૩૦ ઓગસ્ટના રોજ છોકરાની મમ્મી દ્યરની સાફસફાઈ કરી રહી હતી ત્યારે તેણે દ્યરેણાં પણ ચેક કરતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. કેટલાક દાગીના ગુમ થયા હોવાની ખબર પડતા છોકરાની મમ્મીએ તેના પિતાને જાણ કરી હતી.

આરોપીના પિતાને તેના વર્તનમાં પરિવર્તન આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેમને તેના પર જ શંકા જતાં તેમણે પૂછપરછ કરતાં છોકરાએ પોતાની કરતૂતના વટાણા વેરી દીધા હતા. પોલીસે હવે ચોરાયેલા દ્યરેણાં જે જવેલર્સને વેચવામાં આવ્યા હતા તેમને શોધીને દાગીના જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ આરોપી ચોરીના રુપિયાથી મોજમજા કરતા તેમજ મોબાઈલ ફોન ખરીદતા હતા. છોકરાઓએ પૈસા ખરેખર કયાં વાપર્યા છે તે જાણવા પોલીસ તેમના ફોન પણ ચકાસી રહી છે.

ચોરાયેલા દાગીનાની કિંમત ૪.૧૬ લાખ રુપિયા જેટલી થવા જાય છે. જોકે, આરોપીઓએ જે જવેલર્સને દાગીના વેચ્યા હતા તેમણે તેની માંડ અડધી કિંમત જ આપી હોવાનું પણ બહાર આવ્યું છે. ચોરીનો માલ ખરીદનારા આ તમામ જવેલર્સને શોધીને તેમની વિરુદ્ઘ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ પોલીસે જણાવ્યું હતું.

(4:47 pm IST)