Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

કુસ્‍તીમાં દુર્ઘટનાઃ ઉત્તરપ્રદેશના મુરાબાદમાં પહેલવાનને બીજા પહેલવાને જમીન ઉપર પટકાવતા મોતઃ લોકોએ તાળીઓ પાડી પરંતુ પછી ખબર પડી કે મોત થયુ

કાશીપુરના મહેશ અને સાજીદ વચ્‍ચેના દંગલમાં કરૂણતા છવાઇ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દંગલ દરમિયાન પહેલવાનની ગરદન તૂટવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની ગણતરીની પળોમાં પહેલવાનનું મોત નિપજ્યું. આ વીડિયો ઠાકુરદ્વારાના ગ્રામીણ વિસ્તારનો હોવાનું કહેવાય છે. જો કે પોલીસ અધિકારી આવી કોઈ પણ ઘટનાની માહિતી હોવાનું ઈન્કાર કરી રહ્યા છે.

આ અકસ્માત મુરાદાબાદના પોલીસ મથક ઠાકુરદ્વારાના ગામ ફરીદપુરમાં 2 સપ્ટેમ્બરે આયોજિત એક મેળામાં થયેલા દંગલમાં ઘટ્યો. અહીં કુશ્તીના મેદાનમાં સ્થાનિક અને ઉત્તરાખંડના પહેલવાન મુકાબલામાં હતા. વાયરલ વીડિયોમાં કુસ્તીના મુકાબલા માટે ઉત્તરાખંડના કાશીપુરના રહીશ મહેશ અને સ્થાનિક પહેલવાન સાજિદ દંગલના મેદાનમાં જોવા મળી રહ્યા હતા.

મુકાબલો શરૂ થતા જ સાજિદ પહેલવાન મહેશ પહેલવાનને ગણતરીની પળોમાં ઉઠાવીને જમીન પર પટકે છે. લોકો તાળીઓ પાડે છે પરંતુ આ બધામાં મહેશ બેહોશ થઈ જાય છે. સાજિદ તેની ગરદનને જોરજોરથી હલાવીને બાજુ પર જતો રહે છે પરંતુ ત્યાં હાજર લોકો સ્થિતિ પરખી લે છે.

તેઓ મહેશને ઉઠાડવાની કોશિશ કરે છે, લોકો પોત પોતાની રીતે તેની ગરદન ઠીક કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ મહેશને ઉઠાડવાની કોશિશ કરે છે પરંતુ તે ઉઠતો નથી. કહેવાય છે કે થોડીવાર બાદ મહેશનું મોત થઈ જાય છે.

મહેશનું મોત ગરદન તૂટવાથી થયું કે નહીં તે કારણ હજુ સ્પષ્ટ નથી. કારણ કે આ અંગે પોલીસને કોઈ સૂચના અપાઈ નથી. મૃતક મહેશના મૃતદેહને તેના પરિજનો પોતાની સાથે લેતા ગયા.

અકસ્માતના 7 દિવસ બાદ વીડિયો વાયરલ થયો અને બધાને તેના વિશે ખબર પડી. આ બાજુ પોલીસ અધિકારીનું કહેવું છે કે પોલીસને આવી કોઈ ઘટનાની જાણકારી આપવામાં આવી નથી. જો કોઈ ફરિયાદ મળશે તો ચોક્ક્સપણે તપાસ કરવામાં આવશે.

(5:39 pm IST)