Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ભારતીય મૂળના અમેરિકન બેટ્સમેનનો વિસ્ફોટ : વનડેમાં ૬ બોલમાં ૬ સિક્સર ફટકારી રેકોર્ડ સર્જ્યો

જસકરન યુએસ ટીમ માટે વનડેમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો : તેણે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરીને ખાસ સિદ્ધિ હાંસલ કરી : વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છ બોલમાં સતત છ સિક્સર ફટકારનાર તે એકમાત્ર અમેરિકી બેટ્સમેન બન્યો

નવી દિલ્હી: અમેરિકાની ટીમના બેટ્સમેન જસકરન  મલ્હોત્રાએ ગુરુવારે વનડે ક્રિકેટમાં મોટો રેકોર્ડ બનાવ્યો હતો.  પાપુઆ ન્યુ ગિની ટીમ સામે રમતા અમેરિકન બેટ્સમેને એક ઓવરમાં સતત છ સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી.  અગાઉ, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ હર્શેલ ગિબ્સે વનડેમાં આ પરાક્રમ કર્યું હતું.

અમેરિકાની ટીમ ટોસ હારીને બેટિંગ કરવા આવી હતી.  ટીમની શરૂઆત સારી નહોતી.  ટીમની પ્રથમ ત્રણ વિકેટો માત્ર ૨૯ રનમાં ગુમાવી હતી.  આ પછી, જસકરન  મેદાન પર ઉતર્યા અને ધમાકેદાર બેટિંગ કરીને વાતાવરણ બદલી નાખ્યું.  જરકરણ ૧૨૪ બોલ રમ્યા બાદ ૧૭૨ રનની અણનમ ઇનિંગ રમીને મેદાનમાંથી પાછો ફર્યો હતો અને ટીમના સ્કોરને ૨૭૧ સુધી પહોંચાડેલ.

૪૯ મી ઓવર સુધીમાં ટીમનો સ્કોર ૯ વિકેટે ૨૩૫ રન હતો અને ૫૦ મી ઓવર બાદ સ્કોર ૨૭૧ રન હતો.  જસકરણે ગૌડી ટોકાની એક ઓવરમાં સતત છ સિક્સર ફટકારી હતી.  છેલ્લી ઓવરની શરૂઆત પહેલા આ બેટ્સમેને 118 બોલમાં 137 રન બનાવ્યા હતા અને ઇનિંગ્સના અંતે 124 બોલ રમ્યા બાદ તેના ખાતામાં કુલ 172 રન હતા.

(9:22 am IST)