Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અપાશે જ - યોજના બંધ નથી થઇ : વિજયભાઈ રૂપાણી

નરેન્દ્રભાઇના જન્મ દિવસ આગામી તા.૧૭મી સપ્ટેમ્બરે વધુ ૮ હજાર જેટલા નિરાધાર બાળકોને રાજકોટથી ડી.બી.ટી દ્વારા સહાય અપાશે

 રાજકોટ, તા. ૧૦ : મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાન ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો  આપવાનું યથાવત જ રહેશે.

આ યોજના બંધ કરવામા આવી નથી તેમ શ્રી વિજય ભાઈ રૂપાણી એ ઉમેર્યું છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આવા નિરાધાર બાળકોના ભાવિને સુરક્ષિત રાખવાની સંવેદના સાથે જુલાઇ-ર૦ર૧માં શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે કોરોના કાળ દરમ્યાન કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા બંન્નેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા ૧૦૦૦ ઉપરાંત બાળકોને માસિક રૂ. ૪ હજારની સહાય ચુકવવામાં આવેલી છે

મુખ્ય મંત્રીશ્રી એ એમ પણ કહ્યું કે આ યોજના અંગે વધુ એક સંવેદનાપૂર્ણ અભિગમ દર્શાવતાં તા.ર૮ મી જૂલાઇએ રાજ્ય સરકારે એવો નિર્ણય પણ કર્યો છે કે, આવી બિમારીથી જો કોઇ બાળકના  માતા કે પિતા બેમાંથી કોઇ એકનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકને પણ માસિક રૂ. ર હજારની સહાય રાજ્ય સરકાર આપશે

આવા આશરે ૪ હજાર બાળકોને  બાળક દીઠ રૂ. ર હજારની સહાય ગત તા.ર ઓગસ્ટે રાજકોટ ખાતેથી ડી.બી.ટી દ્વારા એટ વન કલીક સીધી જ બેંક એકાઉન્ટમાં સંપુર્ણ પારદર્શીતાથી ચૂકવી પણ આપી છે તેમ પણ શ્રી વિજય ભાઈ રૂપાણી એ ઉમેર્યુ હતું.

આવી સહાય  બાળકની વય ૧૮ વર્ષની થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કેસોમાં તા.૧પ મી જૂન પછી ઉત્તરોત્તર ઘટાડો થતા અને તા.૩૦મી જૂન સુધીમાં કોરોના કેસ અને મૃત્યુ દર નહિવત થઇ જવાથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભ માટેની કટ ઓફ ડેટ તા.૩૦ જૂન-ર૦ર૧ નક્કી કરી હતી અને યોજનાનો લાભ મેળવવા માટે તા.૩૧મી ઓગસ્ટ-ર૦ર૧ સુધીમાં અરજી કરી શકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી 

તેમણે એમ પણ જણાવ્યું કે આવી આવેલી અરજીઓ  ની ચકાસણી કરીને પાત્રતા ધરાવતા બાળકોના કિસ્સામાં બાળકના માતા-પિતાનું મૃત્યુ કોરોના અથવા કોરોના દરમિયાન કોઇ ગંભીર બિમારીને કારણે થયું હોય તેવા વધુ અંદાજે  ૮ હજાર જેટલા બાળકોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ આગામી ૧૭ સપ્ટેમ્બરે

રાજકોટ ખાતેથી આવા બાળકોના બેંક એકાઉન્ટમાં ડી.બી.ટી.થી સહાય ચૂકવવામાં આવશે અને બાળકની વય ૧૮ વર્ષની તથા સુધી માસિક સહાય નિયમિતપણે અપાશે.

મુખ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ યોજના રાજ્ય સરકાર દ્વારા યથાવત રાખવામાં આવી છે એટલે તે બંધ કરવા નો કોઇ સવાલ જ ઊભો થતો નથી. 

(11:05 am IST)