Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

FCRA ઉલ્લંઘન કેસમાં CBIની દેશભરમાં મોટી કાર્યવાહી :40 સ્થળો પર દરોડા :ગૃહ મંત્રાલયના અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ

વિદેશી દાન મેળવવામાં નિયમોના કથિત ઉલ્લંઘન કરવા બદલ એક ડઝનથી વધુ NGO સામે કાર્યવાહી

નવી દિલ્હી :સીબીઆઈએ દેશભરમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. વિદેશી દાન મેળવવામાં નિયમોના કથિત ઉલ્લંઘનના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. FCRA એટલે કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટનું  ઉલ્લંઘન કરવા બદલ એક ડઝનથી વધુ NGO સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ અધિકારીએ પોતાના પદનો દુરુપયોગ કરીને FCRAને મંજૂરી આપી હતી.

મળતી માહિતી મુજબ, આ મામલે ગૃહ મંત્રાલય વતી સીબીઆઈને ફરિયાદ અપાયા બાદ સીબીઆઈની એક ડઝન ટીમો એક્શનમાં આવી અને દિલ્હી, જયપુર, કોઈમ્બતુર, મૈસુર સહિત 40 સ્થળોએ દરોડા પાડ્યા. CBI સૂત્રોએ જણાવ્યું કે દેશભરમાં FCRA એટલે કે, ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટના કથિત ઉલ્લંઘનના સંબંધમાં દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોઈમ્બતુર, મૈસૂર અને રાજસ્થાનના કેટલાક સ્થળો સહિત લગભગ 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ અભિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ, બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) ના પ્રતિનિધિઓ અને મધ્યસ્થીઓ વિરુદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે દરોડા હજુ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓપરેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, ગૃહ મંત્રાલયના ઘણા અધિકારીઓ, NGOના પ્રતિનિધિઓ અને મધ્યસ્થીઓએ FCRA 2010નું ઉલ્લંઘન કરીને વિદેશી અનુદાન મેળવવા માટે નાણાંની લેવડદેવડ કરી છે. એજન્સીએ આ કેસના સંબંધમાં અત્યાર સુધીમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને NGOના પ્રતિનિધિઓ સહિત લગભગ 10 લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, અભિયાનમાં અત્યાર સુધીમાં 2 કરોડ રૂપિયાના હવાલા ટ્રાન્ઝેક્શન્સ પણ શોધી કાઢવામાં આવ્યા છે. દરોડા દરમિયાન કેસ સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક પુરાવા પણ મળી આવ્યા છે.

   
(11:10 pm IST)