Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ચર્ચ બાદ હવે તોફાનીઓએ મસ્જિદ પર ભગવો લહેરાવ્યો

કર્ણાટકમાં કોમી તણાવ પેદા કરવાનો પ્રયાસ : મુસ્લિમ સમાજમાં નારાજગી, કોમી તનાવ ફેલાય તેવી હરકત કરનારા તત્વો હજી સુધી પોલીસની પકડથી બહાર

બેલગાવી, તા.૧૧ : હિજાબ વિવાદના કારણે ચર્ચામાં આવેલા કર્ણાટક રાજ્યમાં કોમી તનાવ ફેલાય તેવી ઘટનાઓ અટકી રહી નથી. ગયા સપ્તાહે તોફાની તત્વોએ ચર્ચ પર ભગવો ઝંડો ફરકાવ્યો હતો, ચર્ચમાં હનુમાનજીની તસવીર મુકી દીધી હતી. અને હવે બેલગાવી જિલ્લાની એક મસ્જિદ પર આવા તત્વોએ ભગવો ઝંડો લગાવી દીધો છે.

બુધવારે બનેલી ઘટના બાદ મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી છે.મુસ્લિમ નેતાઓએ પોલીસને ફરિયાદ કરી છે કે, દોષીઓને વહેલી તકે પકડવામાં આવે.આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે પણ કોમી તનાવ ફેલાય તેવી હરકત કરનારા તત્વો હજી સુધી પોલીસની પકડથી બહાર છે.

ઉલ્લેખનીય છે કે, ચર્ચમાં પણ ભગવો ફરકાવનારા અને હનુમાનજીની તસવીર લગાવનારા પોલીસના હાથમાં આવ્યા નથી.આ મામલામાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા પણ પોલીસને કોઈ મહત્વની કડી હાથ લાગી નથી ત્યાં તો હવે મસ્જિદ પર ભગવો ફરકાવવાની ઘટના બની છે. સ્થાનિક લોકોએ આ હરકત કરનારા લોકોને વહેલી તકે પકડવામાં આવે તેવી માંગણી કરી છે.આ ઘટનાના પગલે બેલગાવી જિલ્લામાં ઉશ્કેરાટ પણ જોવા મળી રહ્યો છે.

(7:57 pm IST)