Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

શંકરસિંહ કોંગ્રેસમાં આવી રહ્યા છે : કાલે વિધિવત રીતે જોડાશે

મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કાર્યક્રમઃ ૨૧ જુલાઇ ૨૦૧૭માં કોંગ્રેસમાંથી આપ્‍યુ હતું રાજીનામું

નવી દિલ્‍હી,તા. ૧૧: ગુજરાતના મજબુત નેતા કોંગ્રેસનો હાથ પકડવા જઈ રહ્યાં છે. ૧૨ નવેમ્‍બરે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવુ જાણવા મળ્‍યું છે. મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, ૨૧ જુલાઈ ૨૦૧૭ ના રોજ બાપુએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્‍યું હતુ. તેના સાડા પાંચ વર્ષ બાદ ફરીથી બાપુ કોંગ્રેસમાં જોડાશે. તેઓએ કોંગ્રેસ છોડી ત્‍યારે વાઘેલા વિપક્ષના નેતા હતા. તેમનો પુત્ર મહેન્‍દ્રસિંહ વાઘેલા પણ તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયા છે.

પૂર્વ મુખ્‍યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે. તેઓ ૧૨ નવેમ્‍બરે કોંગ્રેસમાં પ્રવેશ કરે તેવા સમાચાર સૂત્રો દ્વારા મળ્‍યા છે. જોકે, આ વખતે તેઓ કોઈ પણ શરત વગર કોંગ્રેસમાં એન્‍ટ્રી કરશે તેવુ જાણવા મળ્‍યું છે. અત્‍યાર સુધી શંકરસિંહ બાપુની ટિકિટની તથા જવાબદારીની માંગણી હતી પણ આ વખતે કોઈ શરત વગર કોંગ્રેસમાં જશે. જો શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પ્રાણ પુરાય તેવી શક્‍યતા છે. તેઓ આવે તો ગુજરાત કોંગ્રેસ વધુ મજબૂત બનશે. ૮૨ વર્ષની ઉંમરે બાપુ હજી પણ રાજકારણમાં સક્રિય થયા છે.

કહેવાય છે, બાપુની કોંગ્રેસમાં એન્‍ટ્રી પર હાઈકમાન્‍ડ પણ માની ગયું છે, દિલ્‍હી હાઈકમાન્‍ડથી નિર્ણય લેવાયો હોય તેવું કહેવાય છે. એમ પણ કહેવાય છે કે, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિચારધારા સાથે કોઈ વાંધો નથી, ૨૦૧૭ માં અહેમદ પટેલને લઈને રાજયસભાની ચૂંટણીને લઈને વિવાદને પગલે તેમણે પક્ષ છોડ્‍યો હતો.

આ વિશે કોંગ્રેસના પ્રવક્‍તા મનીષ દોશીએ જણાવ્‍યું કે, આ અંગે અમારું રાષ્ટ્રીય નેતૃત્‍વ નિર્ણય કરશે. શંકરસિંહ ભાજપને સૌથી નજીકથી જાણે છે. મોટું નામ છે, સમાચાર માટે રાહ જુઓ. મહેન્‍દ્રસિંહ વાઘેલા અમારી ત્‍યા જોડાયા છે. રાષ્ટ્રીય નેતૃત્‍વએ તેમને સ્‍વીકાર્યા છે. અમારે ત્‍યા ખાનગીમાં ફોન કરીને ધમકાવવામાં આવતા નથી. જોડાણની પ્રક્રિયાની જાણ કરાશે. કોને લેવા કોને જોડવા પ્રદેશ લેવલે નક્કી થશે. થોડી રાહ રાખો. બાપુ ભાજપને સારી રીતે જાણે છે. તેમને જ નિર્ણય કરવા દો.

(10:36 am IST)