Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભારતનો ધબડકો થતા પન્‍ટરોએ ૫૦૦ કરોડ ગુમાવ્‍યા

ઇંગ્‍લેન્‍ડના દાવની ૧૩મી ઓવર પછી બુકીઓએ બેટીંગ લેવાનું બંધ કર્યુ હતુ

નવી દિલ્‍હી, તા.૧૧: ગુરૂવારે ટી-૨૦ વર્લ્‍ડ કપના સેમીફાઇનલમાં ભારતની હારથી ભારતના ક્રિકેટ ફેન જ નહીં દેશ અને દુનિયાભરના પન્‍ટરો પણ દુઃખી થયા છે. એક રિપોર્ટ અનુસાર, ઇગ્‍લેન્‍ડે ભારતને ૧૦ વિકેટે હરાવતા પન્‍ટરોએ ૫૦૦ કરોડ રૂપિયા ગુમાવ્‍યા છે.

બેટીંગ સર્કલમાં ચાલતી વાતો અનુસાર, ટી-૨૦ ક્રિકેટના સટ્ટાબજારમાં પહેલીવાર એવુ બન્‍યુ છે કે ૧૩ ઓવર પછી બુકીઓએ પોતાની મેળે જ બેટીંગ લેવાનું બંધ કરી દીધુ હતું. એ ટાઇમે ઇંગ્‍લેન્‍ડે એક પણ વીકેટ ગુમાવ્‍યા વીના ૧૪૦ રન ફટકારી દીધા હતા. મેચ જયારે શરૂ થયો ત્‍યારે ઇંગ્‍લેન્‍ડ સેમીફાઇનલ જીતે એવું કોઇને નહોતુ લાગતું. ક્રિકેટ સટ્ટામાં મેચની શરૂઆતમાં ઇંગ્‍લેન્‍ડનો ભાવ ૧.૧૦ રૂપિયા હતો જયારે ભારતનો ભાવ ૮૨ પૈસા હતો પણ ઇંગ્‍લેન્‍ડ દાવની ૧૩મી ઓવર વખતે ઇંગ્‍લેન્‍ડનો ભાવ ૧ પૈસા અને ભારતનો ભાવ ૧૫ રૂપિયા થઇ ગયો હોવાનું એક પન્‍ટરે કહ્યુ હતુ તેણે કહ્યું કે તેના સહિત મોટા ભાગના લોકો ૧૧મી ઓવર સુધી ઇંગ્‍લેન્‍ડની જોરદાર બેટીંગ છતા ભારત પર રમી રહ્યા હતા. આ પન્‍ટરે પ લાખ રૂપિયા ગુમાવ્‍યા હતા. સુત્રો અનુસાર, મેચ શરૂ થયો ત્‍યારે ભારત જીત માટે ફેવરીટ હતુ અને તેનો ભાવ ઇંગ્‍લેન્‍ડના ૧.૧૦ રૂપિયા સામે ૮૨ પૈસા હતો. પણ પાવર પ્‍લેમાં ભારત મોટો સ્‍કોર ના બનાવી શકતા ભારતનો ભાવ ૧.૨૦ રૂપિયા અને ઇંગ્‍લેન્‍ડ ૭૦ પૈસા થઇ ગયો હતો. જો કે પછી હાર્દિક પંડયાની ફટકાબાજી પછી ફરીથી ઇંગ્‍લેન્‍ડનો ભાવ ૧.૧૫ રૂપિયા અને ભારતનો ભાવ ૮૩.૫ પૈસા થઇ ગયો હતો. જે બુકીઓએ બેટ લઇને ઉપરના સ્‍તરે કપાવ્‍યું હતુ તેમને પણ નુકશાન ગયુ હતું.

(1:32 pm IST)