Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ચીનના દેવાની જાળમાં ફસાઇને દેવાદાર થવાના આરે ઉભું છે શ્રીલંકા :ઇતિહાસનો સૌથી કપરો કાળ!

દેશમાં આર્થિક કટોકટી લાગુ: એક એક ટંકનું ભોજન મેળવવા લોકો ફાંફાં મારી રહ્યા છે

પાકિસ્તાન બાદ હવે ભારતનો વધુ એક પાડોશી દેશ શ્રીલંકા પણ ચીનના દેવાની જાળમાં ફસાઇને દેવાદાર થવાના આરે છે. શ્રીલંકા પર ચીનનું લગભગ 37 હજાર કરોડ રૂપિયાનું દેવું ચઢી ગયું છે. શ્રીલંકાએ આ વર્ષે આ રકમ ચૂકવવાની છે. જ્યારે હાલમાં તેની પાસે માત્ર 11 હજાર કરોડ રૂપિયાનો વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી શ્રીલંકા જે આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે તે હવે ભયંકર સ્વરુપ ધારણ કરી ચુક્યું છે. શ્રીલંકા પરના કુલ દેવામાં ચીનનો હિસ્સો લગભગ 68 ટકા છે. શ્રીલંકાની કથળેલી હાલત માટે ચીનની લોન દ્વારા તૈયાર કરવામાં આવેલી પરિયોજનાઓને જવાબદાર ગણવામાં આવી રહી છે. ચીને શ્રીલંકામાં રોડ-રસ્તાઓનું નેટવર્ક બિછાવવા ઉપરાંત હંબનટોટા બંદર અને એરપોર્ટ વિકસાવવા માટે ભારે લોન આપી હતી અને આ લોન શ્રીલંકા હાલના સંજોગોમાં ચૂકવી શકે તેવી કોઇ જ શક્યતા નથી.

અત્યારે શ્રીલંકાની કમાન જેમના હાથમાં છે તે રાજપક્સા પરિવાર ભારત કરતા ચીન તરફી વધારે હોવાનું હંમેશા મનાતું રહ્યું છે. મહિન્દા રાજપક્સા સત્તામાં હતાં એ 10 વર્ષ દરમિયાન ચીને શ્રીલંકામાં સારો એવો પગપેસારો કર્યો હતો. ભારતના વિરોધ વચ્ચે પણ મહિન્દા રાજપક્સાએ ચીન પાસેથી કરોડો ડોલર ઉધાર લીધાં અને શ્રીલંકાના બંદરો ચીનની સબમરિનો માટે ખુલ્લા મૂકી દીધાં હતાં. તેમણે ચીન સાથે મળીને વિશાળ બંદરનું નિર્માણ પણ કર્યું. જેના કારણે શ્રીલંકા ચીનના દેવાના ડુંગર તળે દબાઇ ગયું.

જો કે શ્રીલંકાની બદહાલીના અનેક કારણો છે. જેમાં કોવિડ મહામારી, સતત વધી રહેલો સરકારી ખર્ચ અને ટેક્સમાં કાપ જેવા કારણોને સમાવેશ થાય છે. બીજી તરફ કોરોનાએ શ્રીલંકાના પર્યટન ઉદ્યોગને લગભગ સંપૂર્ણપણે તબાહ કરી દીધો છે. સરકારી ખજાનો ખાલી છે અને વિદેશી દેવાનો બોજ દિવસે ને દિવસે વધતો જાય છે. વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર કોવિડની શરૂઆતથી લઇને અત્યાર સુધી શ્રીલંકામાં લગભગ પાંચ લાખ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા છે. .

(1:03 am IST)