Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સહમતિથી છૂટા થવા ઈચ્છતા પતિ-પત્નીને છ મહિના રાહ જોવડાવવી અયોગ્ય

ફેમિલી કોર્ટે છૂટાછેડા આપતા પહેલા છ મહિના રાહ જોવાની કાયદાકીય જોગવાઈમાં છૂટ આપવાની દંપતીની અરજી ફગાવી દીધી હતીઃ તેની સામે દંપતીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી : કપલના લગ્ન ૨૦૧૯માં થયા હતા અને બંને વૈચારિક મતભેદોના કારણે ૨૦ માર્ચ, ૨૦૨૦થી અલગ રહેતા હતાઃ બાદમાં બંનેએ સહમતીથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો અને તેના માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતીઃ કપલે છૂટાછેડાની અરજીમાં છ મહિના ફરજિયાત રાહ જોવાની જોગવાઈમાંથી તેમને મુકિત આપવા અપીલ કરી હતી

ચંદીગઢ,તા.૧૨: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું કે, જો કોઈ પરિણીત દંપતીએ સહમતિથી રીતે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હોય, તો તેમને તેમની ઈચ્છા મુજબ, જીવન જીવવાની તક આપવાનું નકારી શકાય નહીં. હાઈકોર્ટના જણાવ્યા મુજબ, આવા સંજોગોમાં, છૂટાછેડા લેવા માટે તેમને વધુ છ મહિના રાહ જોવડાવવાનો આગ્રહ રાખવાથી તેમની મુશ્કેલીઓમાં વધારો થશે.

જસ્ટિસ અરુણ મોંગાએ પંચકુલા ફેમિલી કોર્ટ દ્વારા અપાયલા ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના આદેશને પડકારતી દંપતી દ્વારા કરાયેલી રિવિઝન અરજીને મંજૂરી આપતા આ આદેશ આપ્યો હતો. પંચકૂલા કોર્ટે છૂટાછેડા માટેની અરજીમાં છ મહિનાની વૈધાનિક અવધિને પરસ્પર સંમત્ત્િ।થી રદ કરવાની અપીલ ફગાવી દીધી હતી.

કેસની હકીકત એ છે કે, આ કપલના લગ્ન ફેબ્રુઆરી ૨૦૧૯માં થયા હતા, પરંતુ એકબીજા સાથેના વૈચારિક મતભેદોને લઈને તેઓ ૨૦ માર્ચ, ૨૦૨૦થી અલગ રહેવા લાગ્યા હતા. ઘણા પ્રયાસો છતાં સમાધાન ન થતા બંનેએ સંયુકત રીતે છૂટાછેડા માટે અરજી કરી હતી. તેમના વૈવાહિક જીવનને લગતા બધા વિવાદો બંને વચ્ચે પહેલથી જ સહમતીથી ઉકેલાઈ ગયા છે. ૨૩ જુલાઈ, ૨૦૨૧ના રોજ કેસની પહેલી સુનાવણી સમયે તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા અને કેસની આગામી સુનાવણી ૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી મુલતવી રાખવામાં આવી હતી.

બંને પક્ષોએ છ મહિનાની કાયદાકીય જોગવાઈને તેમના કેસમાંથી દૂર કરવા અપીલ કરી હતી. પરંતુ, ફેમિલી કોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૧માં તેને ફગાવી દીધી હતી. જેની સામે દંપતીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અંગત રીતે બંને પક્ષો સામે વાતચીત કરી અને નોંધ્યું કે, તે બંને પોતાના હકોથી સારી રીતે વાકેફ છે. હાઈકોર્ટ છૂટાછેડા માટે છ મહિના ફરજિયાત રાહ જોવાના ગાળાને દૂર કરતા નોંધ્યું કે, 'તેઓએ તદ્દન સભાનપણે વધુ સારા ભવિષ્ય અને જીવન ખુશીથી વ્યતિત કરવા માટે અલગ થવાનું પગલું ભર્યું છે. તે જોતાં તેમને છ મહિના બિનજરૂરી રાહ જોવા માટે દબાણ કરવા માટેનો કોઈ યોગ્ય હેતુ જણાતો નથી, ખાસ કરીને ત્યારે કે રાહ જોવાથી પત્નીના ભવિષ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. કો-પિટિશનર પતિએ પણ તે માટેની તૈયારી દર્શાવી છે.'

નીચલી કોર્ટના ચૂકાદાને ફગાવતા હાઈકોર્ટે પંચકુલાની ફેમિલી કોર્ટને આ કપલ દ્વારા સંયુકત રીતે છૂટાછેડા માટે કરાયેલી અરજીને છ મહિના સુધી ફરજિયાત રાહ જોવાના નિયમમાં છૂટ આપવા સાથે આગળ ધપાવવા અને બંને પક્ષોના સ્ટેટમેન્ટ્સ રેકોર્ડ કરવા આદેશ આપ્યો.

(10:03 am IST)