Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

લો બોલો! ચોરને ચોરી દરમિયાન ખિચડી બનાવવી ભારે પડી, પોલીસે રસોડામાં 'રંગે હાથ' ઝડપી લીધો!

આસામમાં ચોરીની એક વિચિત્ર અને રમૂજી ઘટના સામે આવી ચોર માટે ખિચડી બની હાનિકારક

નવી દિલ્હી, તા.૧૨: આસામમાં ચોરીની એક વિચિત્ર અને રમૂજી ઘટના સામે આવી છે. એક ઘરમાં ચોરી કરવા દરમિયાન ચોરને પોતાના માટે ખિચડી બનાવવી ભારે પડી ગઈ અને તે આસામ પોલીસના હાથે ઝડપાઈ ગયો. એ માણસ દ્યરમાં કિંમતી વસ્તુઓ ચોરવાના ઈરાદે ઘૂસ્યો હતો, પણ એ દરમ્યાન તે રસોડામાં ગયો અને પોતાના માટે ખિચડી બનાવવા લાગ્યો. રિપોર્ટ મુજબ, ગુવાહાટી પોલીસે  કહ્યું છે કે એ માણસની ધરપકડ કરી લેવામાં આવી છે.

આસામ પોલીસે ટ્વિટર પર આ ઘટનાને રમૂજી અંદાજમાં જણાવી હતી. આસામ પોલીસે લખ્યું કે, ખિચડી ચોરનો વિચિત્ર કેસ! સ્વાસ્થ્યના અઢળક લાભ હોવા છતાં, એવું સામે આવ્યું છે કે ચોરી દરમ્યાન ખિચડી બનાવવી એ તમારા આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. આ ચોર પકડાઈ ગયો છે અને ગુવાહાટી પોલીસ તેને ગરમાગરમ ભોજન પીરસી રહી છે.

એક અહેવાલ મુજબ આ દ્યટના દિસપુર પોલીસ સ્ટેશન હેઠળની છે અને એ ઘર, જયાં ચોરી થઈ હતી એ હેંગેરાબારી વિસ્તારમાં આવેલું છે.

ચોરી કરવાના ઈરાદે આવેલા એ માણસે જયારે કિચનમાં ખિચડી બનાવવાનું શરુ કર્યું, તો આજુબાજુના લોકો સાવધ થઈ ગયા અને પોલીસને બોલાવી લીધી હતી. એ ચોર ખિચડી બનાવતો હતો એ દરમ્યાન જ પકડાઈ ગયો!

આસામ પોલીસની ટ્વિટ બાદ અન્ય ટ્વિટર યુઝર્સ પણ આ ઘટનાની મજા લઈ રહ્યા છે. તો અમુક યુઝરે લખ્યું કે, એ માણસે ચોરી દરમ્યાન ખિચડી બનાવી એટલે તેને ખરેખર ભૂખ લાગી હશે.

(2:59 pm IST)