Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

OBC ક્રિમીલેયરની લીમીટ ૧૨ લાખ કરવાની તૈયારી

ચુંટણી પહેલા ટુંક સમયમાં લાગુ કરાશે : આવક મર્યાદાની દર ત્રણ વર્ષે થાય છે સમીક્ષા

નવી દિલ્‍હી તા. ૧૨ : કેન્‍દ્રની મોદી સરકાર OBC અનામત માટેની ક્રીમી લેયર મર્યાદા ૮ લાખથી વધારીને ૧૨ લાખ કરવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલય વાર્ષિક આવકમાં પગાર અને કૃષિમાંથી થતી આવકને સામેલ કરવા કે કેમ તે અંગે પણ વિચાર કરી રહ્યું છે. ઈકોનોમિક ટાઈમ્‍સના અહેવાલ મુજબ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું કે મંત્રાલયે પુનઃવિચારણાનો આદેશ આપ્‍યો છે. અમે આ અંગે પરામર્શ કરી રહ્યા છીએ. હાલમાં, સરકારી નોકરીઓ અને ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓમાં અન્‍ય પછાત વર્ગો માટે ૨૭ ટકા અનામત છે. હાલમાં આ આરક્ષણ માટે વાર્ષિક ૮ લાખ સુધીની આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આનાથી વધુ વાર્ષિક કમાતા લોકોને અનામત મળતું નથી.
ક્રીમી લેયર હેઠળની આવક મર્યાદાની દર ત્રણ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે. છેલ્લે ૨૦૧૭માં તેની સમીક્ષા કરવામાં આવી હતી અને આવક મર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૮ લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. અગાઉ, યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન, ૨૦૧૩ માં, આ મર્યાદા માત્ર ૪.૫ લાખ રૂપિયા હતી, જે વધારીને ૬ લાખ કરવામાં આવી હતી. આ પછી, ઓબીસીના ક્રીમી લેયરની મર્યાદા ૨૦૨૦ માં નક્કી થવાની હતી, જેના માટે મંત્રાલય દ્વારા માર્ચ ૨૦૧૯ માં ભૂતપૂર્વ સચિવ બીપી શર્માની અધ્‍યક્ષતામાં એક પેનલની રચના કરવામાં આવી હતી. હવે તેના પર કામને વેગ મળ્‍યો છે. એટલું જ નહીં, ખેતીની આવક અને પગારને પણ આવક મર્યાદામાં સામેલ કરવા જોઈએ કે કેમ તે અંગે પણ વિચારણા ચાલી રહી છે.
વાસ્‍તવમાં સરકારનો અભિપ્રાય છે કે જો વાર્ષિક આવકમાં કૃષિ આવકનો સમાવેશ કરવામાં ન આવે તો તેનાથી ગ્રામીણ ગરીબોને મદદ મળશે. આ અંગે ૨૦૨૦માં જ કેબિનેટ નોટ બહાર પાડવામાં આવી હતી. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્‍યો ન હતો, જે હવે ઝડપી કરવામાં આવ્‍યો છે. એવું માનવામાં આવે છે કે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા ભાજપ સરકારે આમાં ઝડપ બતાવવાનું કામ કર્યું છે. એવું માનવામાં આવે છે કે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં, તે મોટી બ્‍ગ્‍ઘ્‍ વોટ બેંકને સંદેશ પહોંચાડવામાં સરકારને મદદ કરશે.
ઉત્તર પ્રદેશમાં ઓબીસી મતદારોની સંખ્‍યા ૪૫ ટકાની નજીક હોવાનું માનવામાં આવે છે. આ સિવાય પંજાબમાં આ વર્ગની વસ્‍તી ૩૩ ટકાની નજીક છે. આવી સ્‍થિતિમાં ભાજપને આ નિર્ણયથી ઘણી આશાઓ જોવા મળી રહી છે. જો આ મર્યાદા બદલવામાં આવે તો તેની અસર યુપીમાં જોવા મળી શકે છે.(

 

(3:42 pm IST)