Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

અભિનેત્રી નહીં પણ આઇએએસ બનવા માગતી હતી સાક્ષી તંવર:તૈયારી પણ કરી અને પરીક્ષા પણ આપી

નસીબ તેને મુંબઈ લાવ્યા અને એક્ટ્રેસ બની ગઈ : અલવર જિલ્લામાં જન્મેલી સાક્ષી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ હોંશિયાર :તેના પિતા રાજેન્દ્ર સિંહ તંવર એક સીબીઆઇ ઑફિસર હતા

 

મુંબઈ :નાના પડદાની લોકપ્રિય અભિનેત્રી સાક્ષી તંવર આજે 49 વર્ષની થઈછે. પણ આ ઉંમરમાં તે ખૂબ જ સુંદર દેખાય છે. ઉંમર તેની માટે માત્ર આંકડો છે. 12 જાન્યુઆરી 1973ના રાજસ્થાનના અલવર જિલ્લામાં જન્મેલી સાક્ષી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ હોંશિયાર હતી. તેના પિતા રાજેન્દ્ર સિંહ તંવર એક સીબીઆઇ ઑફિસર હતા.સાક્ષીએ દિલ્હીના લેડી શ્રી રામ કૉલેજમાંથી ગ્રેજ્યએશન કર્યું છે. સાક્ષી તંવરને શરૂઆતમાં એક્ટિંગમાં ખાસ રસ નહોતો. તેણે પહેલા એક ફાઇવ સ્ટાર હોટલમાં એક સેલ્સ ટ્રેની તરીકે કામ કર્યું. એટલું જ નહીં તેણે એક કાપડની કંપનીમાં પણ કામ કર્યું. રિપૉર્ટ્સ પ્રમાણે, અહીં તેમને સેલરી તરીકે 900 રૂપિયા આપવામાં આવતા હતા.

સાક્ષી તંવરે પોતાના લાંબા એક્ટિંગ કરિઅરમાં દરેક પ્રકારના પાત્રો ભજવ્યા છે.તેમણે પોતાની એક્ટિંગનો હુનર ટીવી શૉઝ, ફિલ્મ અને વેબ સીરિઝમાં દાખવ્યો છે. સાક્ષીએ પોતાના ટેલીવિઝન કરિઅરની શરૂઆત દૂરદર્શનના એક ધારાવાહિક `અલબેલા સુર મેલા` દ્વારા કરી.તેના કામને જોતા ટૂંક સમયમાં જ એકતા કપૂરે તેને પોતાની ચર્ચિત ધારાવાહિક `કહાની ઘર ઘર કી`નો ભાગ બનાવી. અહીં સાક્ષીને મુખ્ય પાત્ર ભજવવાની તક મળી. `કહાની ઘર ઘર કી` લગભગ આઠ વર્ષ સુધી ચાલી. ત્યાર બાદ સાક્ષી `કહાની હમારે મહાભારત કી`,બાલિકા વધૂ` અને `ક્રાઈમ પેટ્રોલ 2` જેવા ટીવી શૉઝનો ભાગ રહી. ત્યાર બાદ તેણે વર્ષ 2011માં મળેલા એકતા કપૂરના જ બીજા મોટા શૉ `બડે અચ્છે લગતે હૈં`. આ શૉમાં તેણે પ્રિયા કપૂરનું પાત્ર ભજવ્યું હતું.
સાક્ષીએ અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2006માં તેણે ફિલ્મ `ઓ રે મનવા` દ્વારા પોતાનો બૉલિવૂડ ડેબ્યૂ કર્યો હતો. ત્યાર પછી તે સમયાંતરે ફિલ્મોમાં જોવા મળી. ફિલ્મ `દંગલ`માં તેણે આમિર ખાનની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. તેણે પોતાની એક્ટિંગ દ્વારા આમિરને ફિલ્મમાં આકરી ટક્કર આપી હતી. ફિલ્મ `મોહલ્લા અસ્સી`માં સાક્ષી, સની દેઓલ સાથે જોવા મળી હચી. તાજેતરમાં તે મનોજ બાજપાઇ સાથે ફિલ્મ ડાયલ 100 માં પણ જોવા મળી હતી. તેની આગામી ફિલ્મનું નામ `પૃથ્વીરાજ` છે.

સાક્ષી તંવરે પોતાના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસા કર્યા હતા કે તે આઇએએસ બનવા માગતી હતી. આ માટે તેણે તૈયારી પણ કરી અને પરીક્ષા પણ આપી હતી, પણ તે પરીક્ષા પાસ કરી શકી નહોતી. ત્યાર બાદ નસીબ તેને મુંબઈ લાવ્યા અને એક્ટ્રેસ બની ગઈ. સાક્ષીએ પોતાના ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે તે પોતાના કરિઅરથી ખૂબ જ ખુશ છે.

પ્રૉફેશનલ લાઇફ સિવાય સાક્ષી પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. સાક્ષીએ અત્યાર સુધી લગ્ન નથી કરી, જો કે, તે એક દીકરીની મા છે. હકિકતે, વર્ષ 2018માં તેણે એક સુંદર બાળકીને અડૉપ્ટ કરી છે. જેનું નામ દિત્યા તંવર છે. જ્યારે સાક્ષીએ દિત્યાને અડૉપ્ટ કરી ત્યારે તે માત્ર નવ મહિનાની હતી. સાક્ષી સંપૂર્ણ જવાબદારી ઉઠાવી રહી છે અને પોતાને ખૂબ ખુશનસીબ પણ માને છે કે તેના જીવનમાં તેની દીકરી છે.

(9:48 pm IST)