Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ઓમિક્રોન સામાન્ય શરદી-ઉધરસ નથી,હળવાશથી લઈ શકાય નહીં : કેન્દ્ર સરકારની લોકોને ચેતવણી

ગરમ પાણીથી ગાર્ગલ કરવું. 5 દિવસથી વધુ ઉધરસ માટે ઇન્હેલરનો ઉપયોગ કરો

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસ બેકાબૂ બન્યા છે, આજે લગભગ બે લાખ નવા કેસની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં 194,720 કેસ નોંધાયા છે. તેમાં ઓમિક્રોન વેરિઅન્ટના 4,868 કેસનો સમાવેશ થાય છે. 4,868માંથી 1,805 લોકો સ્વસ્થ થયા છે. દરમિયાન, કેન્દ્ર સરકારે લોકોને ચેતવણી આપી છે કે ‘ઓમિક્રોન સામાન્ય શરદી-ઉધરસ નથી’.

મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 9,55,319 નોંધાઈ છે, જે છેલ્લા 211 દિવસમાં સૌથી વધુ છે. ઉપરાંત, 442 વધુ દર્દીઓના મૃત્યુ સાથે, કોવિડ -19 થી મૃત્યુઆંક 4,84,655 પર પહોંચી ગયો છે.

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વીકે પોલે કહ્યું, “ઓમિક્રોન એ સામાન્ય શરદી-ઉધરસ નથી, તેને હળવાશથી લઈ શકાય નહીં. કોવિડ મૈત્રીપૂર્ણ વર્તન અપનાવતી વખતે આપણે જાગ્રત રહેવાની અને રસી લેવાની જરૂર છે. અમારા કોવિડ નિવારણ કાર્યક્રમમાં રસીકરણ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમણે કહ્યું વધુમાં કહ્યું  કે જો લોકોને હળવા કેસોમાં તાવ આવે તો પેરાસિટામોલ લેવું પડે છે. ઉધરસની સ્થિતિમાં કફ સિરપ લેવાનું છે અને બીજું કંઈ નહીં. ગરમ પાણીથી ગાર્ગલ કરવું. 5 દિવસથી વધુ ઉધરસ માટે ઇન્હેલરનો ઉપયોગ કરો.

કેન્દ્ર સરકારે કહ્યું કે ભારતમાં લગભગ 300 જિલ્લાઓમાં, કોરોના વાયરસના નમૂનાના પરીક્ષણમાં સાપ્તાહિક ચેપ દર 5 ટકાથી વધુ છે. સરકારે કહ્યું કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ અને ગુજરાત કોવિડના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને ચિંતાના રાજ્યો તરીકે ઉભરી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ-19 ચેપમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે અને પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં ચેપનો દર 30 ડિસેમ્બરના રોજ 1.1 ટકાથી વધીને બુધવારે 11.05 ટકા થયો છે.

(10:34 pm IST)