Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમદાવાદની રથયાત્રા કર્ફયુ વચ્ચે ૪ કલાકમાં પૂર્ણ થઇઃ ન ભજન મંડળી, ન ટ્રક કે ન અખાડાઃ લોકોએ દૂરથી દર્શનનો લાભ લીધો

નંદી ઘોસ રથમાં ભગવાન બિરાજયા, ગુજરાતી રજવાડી દર્શન, ભકતો, અખાડા કે ભજન મંડળી ભલે ન હોય પણ ભકિત રસ અનરાધાર : ગુજરાત કોરોના મુકત બને, સારા વરસાદથી સમૃદ્ધ બને તેવી મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી રથ સાફ કરી પહિન્દ વિધિ બાદ રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન : અંજલિબેન, નીતિનભાઈ પટેલ અને પ્રદીપસિંહની હાજરીઃ અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર વચ્ચે રથયાત્રાનું સમાપન

અમદાવાદ તા.૧૨:  કોરોના કાળમાં ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા આજે ભકતો વગર જ નીકળતા ઐતિહાસિક બની રહી હતી. ૧૯ કિ.મી.ના રૂટ ઉપર સવારે ૭થી બપોરે ૨ દરમિયાન કર્ફયુ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ સવારે ૧૧ કલાકે જ રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થઇ હતી. આ વખતે રથયાત્રામાં ન તો ભજન મંડળી હતી કે ન તો અખાડા હતા કે ન તો ગજરાજ જોડાયા હતા. રથ સાથે માત્ર કડક પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. રથયાત્રામાં ૩ રથ, બે અન્ય વાહનો તથા પોલીસ જોવા મળી હતી. આ વખતે ૧૪ કલાકની રથયાત્રાનું ૨૨ કિ.મી.નું અંતર માત્ર ૪ કલાકમાં પૂર્ણ કરી ભગવાન નીજ મંદિરમાં પાછા ફર્યા હતા. રથયાત્રા હેમખેમ પૂર્ણ થતા રૂટ પરના તમામ વિસ્તારો કર્ફયુમુકત જાહેર કરાયા હતા. શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનું સમાપન થતા સરકારે પણ હાશકારો અનુભવ્યો હતો. લોકોએ પોતાના ઘરોમાંથી અને રવેશમાંથી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જય રણછોડ માખણ ચોર અને મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે તેવા ગગનભેદી નારાઓ સાથે અમદવાદની ઐતિહાસિક રથ યાત્રાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલ દ્વારા પહિંદ વિધિ બાદ મંગળ પ્રારંભ  કરાવ્યો હતો.                                                 

પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિ અંતર્ગત ભકતોની પ્રત્યક્ષ હાજરી તથા ભજન મંડળીઓ અને કરતબ દેખાડતા અખાડા વગર ૧૪૪મી રથયાત્રા પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ દ્વારા અગાઉથી લગાડવામાં આવેલ કર્ફર્યુવાળા વિસ્તારમાં ફરવા માટે નીકળી હતી. પ્રસાદ માટે અગાઉથી પ્રતિબંધ ફરમવામાં આવ્યો હતો.                                રથયાત્રા પૂર્વે મંગળા આરતી થઈ હતી જેમાં અમિતભાઈ શાહ પરિવાર સામેલ થયેલ.પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવના માર્ગદર્શનમાં એડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી ,ડીસીપી ઝોન ૩ મકરંદ ચૌહાણ સહિતના અફસરો સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટે પ્રયત્નશીલ  રહ્યા હતા.                                        

રથયાત્રામા રથયાત્રા માટે મુવિંગ અર્થાત્ રથો આગળ ચાલીને થતો બંદોબસ્ત માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જવાબદારી લીધી હતી. જે અંતર્ગત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા પ્રેમવીરસિહ અને ડીસીપી ચૈતન્ય માંડલિક સહિતની ટીમ ,કમાન્ડોનો કાફલો રથયાત્રાની આગળ રહ્યો હતો.  રથયાત્રા રૂટ કર્ફયુ સાથે સાથે બરિકેટ દ્વારા બંધ કરવામાં આવેલ. તે તમામ રૂટ પરની અમલવારી બરોબર થાય છે કે કેમ? તેનું ૨૨ કી.મી.રૂટનું જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી દ્વારા નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રા રૂટ પર સીસીટીવી કેમેરા તથા ડ્રોન દ્વારા આકાશમાંથી પણ નિરીક્ષણ કરવામાં આવી હતી. ભગવાનના મામાના ઘેર સરસપુરમાં પણ ભકિતભાવ પૂર્વક આરતી કરવામાં આવી હતી , મુખ્યમંત્રી વિજયભાઈ સાથે અંજલીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર ગુજરાત કોરોના મુકત બને અને ભગવાન જગન્નાથ લોકો પર મહેર કરે તેવી પ્રાર્થના કરી  પહીંદ વિધિ અર્થાત્ સોનાની સાવરણીથી રથ સાફ કરી રથયાત્રાના મંગળ પ્રારંભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.  તેઓ દ્વારા લોકોને કોરોના મહામારી સંદર્ભે નિયમોનું પાલન કરી તંત્રને સહકાર આપવા પણ અપીલ કરી હતી.

 પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ટીમના માઇક્રો પ્લાનિંગવાળી રથયાત્રા મામાને ઘેર સવારે ૮:૩૦ વાગે પહોંચ્યા ત્યારે અનેરા  દ્રર્શ્યો સર્જાયા હતા, મામેરા વિધિ ભકિતભાવપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.                   

ભગવાનના મામાને ઘેરથી ફકત દશ મિનિટમાં રથ આગળ વધ્યો હતો.સામાન્ય રીતે અહી બપોરે ૧૨:૩૦ બાદ પહોંચી ગયા બાદ વિરામ અને પોલીસ સહિત અસંખ્ય લોકો પ્રસાદ લેતા હોય છે.               

સરસપુરમાં ખલાસીભાઈઓ  દ્વારા અદલાબદલી કરી અન્ય ખલાસીઓ જોડાયા હતા. તમામના આર.ટી.પીસી.આર. કરવામાં આવેલ. ટ્રસ્ટીઓ પણ કોરોના ટેસ્ટ બાદ સામેલ થયેલ.    

ખુદ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી  પ્રદીપ સિહ જાડેજા પણ બંદોબસ્ત વ્યવસ્થા માટે રથયાત્રામાં સામેલ થયા હતા. આમ, સજજડ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્વક  સમાપન થઈ હતી.

(3:06 pm IST)