Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ચીન દ્વારા સરહદ ઉપર ફરી વખત આક્રમક વલણઃ દલાઇ લામાના જન્‍મદિનની ઉજવણી મુદ્દે સિંધુ નદી પાસે બેનર અને ચીની ઝંડા ચીની સેના પીપલ્‍સ લિબરેશન આર્મીએ લગાવ્‍યા

2020માં ચીન દ્વારા લદાખ સરહદ ઉપર ઘુસણખોરીનો પ્રયાસ કરાયો ત્‍યારથી ટકરાવની સ્‍થિતિ

નવી દિલ્હી: ચીન દ્વારા ફરી એક વખત સરહદ પર આક્રમક વલણ અપનાવવામાં આવ્યુ છે. ચીની સેના પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)એ દેમચુકમાં સિંધુ નદી પાસે બેનર અને ચીની ઝંડા લહેરાવ્યા છે. આ દરમિયાન ચીની સેના સાથે કેટલાક નાગરિક પણ હતા. આ ઘટના 6 જુલાઇની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

જાણકારી અનુસાર, ચીન દ્વારા આ હરકત ત્યારે કરવામાં આવી જ્યારે દેમચુકમાં સ્થાનિક લોકો બૌદ્ધ ધર્મગુરૂ દલાઇ લામાનો જન્મ દિવસ મનાવી રહ્યા હતા. આ દરમિયાન આશરે પાંચ વાહન આવ્યા અને એકથી દોઢ કલાક સુધી આ વિસ્તારમાં રહ્યા હતા.

દલાઇ લામાને લઇને ભડક્યુ ચીન?

ચીન અવાર નવાર દલાઇ લામાના મુદ્દા પર ભારતનો વિરોધ કરતુ આવ્યુ છે. દલાઇ લામા લાંબા સમયથી ભારતમાં જ રહે છે. ખાસ વાત એ છે કે દલાઇ લામાના જન્મ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાતચીત કરી હતી, સાથે જ સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી, જેને ચીનને લઇને એક મેસેજ માનવામાં આવી રહ્યો હતો.

એક વર્ષથી ચાલી રહ્યો છે ભારત-ચીન વચ્ચે વિવાદ

મહત્વપૂર્ણ છે કે ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી લદ્દાખની સરહદ પર ટકરાવ ચાલી રહ્યો છે. વર્ષ 2020માં એપ્રિલ-મેમાં ચીન દ્વારા લદ્દાખ સરહદ પર ઘૂષણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર ટકરાવની સ્થિતિ છે.

આ દરમિયાન બન્ને દેશોની સેનામાં કેટલીક વખત અથડામણ થઇ છે, ગોળી પણ ચલાવવામાં આવી છે. બન્ને દેશોએ આ વિવાદને સેન્ય લેવલની વાતચીત, કૂટનીતિક રસ્તાથી હલ કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, કેટલાક રાઉન્ડની વાતચીત બાદ હજુ સુધી કોઇ હલ નીકળ્યો નથી, સાથે જ લાંબા સમયથી વાતચીત પણ બંધ છે.

(4:48 pm IST)