Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કોરોના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આવતીકાલે ૮ રાજ્યોના સીએમ સાથે બેઠક

ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં કોરોનાની ગંભીર સ્થિતિ : છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૭,૧૫૪ દર્દીઓ નોંધાયા, કોરોના સંક્રમિતોની સંખ્યા ૩,૦૮,૭૪,૩૭૬

નવી દિલ્હી, તા.૧૨ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ઉત્તર-પૂર્વી રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરશે. અસમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક આવતીકાલે સવારે ૧૧ કલાકે યોજાશે. અરૂણાચલ પ્રદેશમાં કોવિડ-૧૯ના સોમવારે ૨૫૪ કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. અસમમાં રવિવારે કોરોનાના ૧૫૭૯ કેસની પુષ્ટિ થઈ હતી અને ૧૬ લોકોના નિધન થયા હતા. નાગાલેન્ડમાં રવિવારે ૭૮ નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી ૨૫૯૭૬ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૫૦૭ દર્દીઓના મોત થયા છે. સિક્કિમમાં રવિવારે કોરોના સંક્રમણના ૧૪૪ કેસ સામે આવ્યા અને બે લોકોના નિધન થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી ૨૨૩૦૭ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૩૧૫ લોકોના મૃત્યુ થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૭,૧૫૪ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા હવે ૩,૦૮,૭૪,૩૭૬ પર પહોંચી ગઈ છે. એક દિવસમાં ૩૯,૬૪૯ લોકો રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા ૩,૦૦,૧૪,૭૧૩ થઈ છે.

કોરોનાએ ૨૪ કલાકમાં દેશભરમાંથી ૭૨૪ લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોની થયેલા મોતનો કુલ આંકડો હવે ૪,૦૮,૭૬૪ પર પહોંચી ગયો છે.

હાલ રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં રસીના કુલ ૧૨,૩૫,૨૮૭ ડોઝ અપાયા છે.

આ સાથે અત્યાર સુધીમાં અપાયેલા કુલ ડોઝની સંખ્યા ૩૭,૭૩,૫૨,૫૦૧ પર પહોંચી છે. દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ ૯૭.૨૨% થયો છે.

(8:45 pm IST)