Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

હવે લાલુપ્રસાદ યાદવને સાથે લઈને દિલ્હીમાં સોનિયા ગાંધીને મળવા પહોંચશે નીતીશકુમાર

લાલુની હાજરી નીતિશના વિપક્ષી એકતાના અભિયાનને વધુ વેગવંતુ બનાવી શકે

નવી દિલ્હી :લાલુપ્રસાદ યાદવને સાથે લઈને નીતિશ કુમાર દિલ્હીમાં સોનિયા ગાંધીને મળવા માટે જવાના છે. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આના સંદર્ભે જાણકારી આપી છે. લાલુપ્રસાદ યાદવ ભૂતકાળમાં યુપીએની બંને સરકારોમાં મંત્રી રહી ચુક્યા છે. તેમના સોનિયા ગાંધી સાથેના રાજકીય સંબંધો ઘનિષ્ઠ છે અને લાલુની હાજરી નીતિશના વિપક્ષી એકતાના અભિયાનને વધુ વેગવંતુ બનાવી શકે તેમ છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યુ છે કે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશથી આવ્યાબાદ આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમને મળવા માટે જશે.

2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી એકતાની કોશિશ માટે નીતિશ કુમાર તાજેતરમાં દિલ્હીની ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમણે રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહીતના રાજકીય પક્ષોના ટોચના નેતાઓને મળ્યા હતા.

હવે નીતિશ કુમાર, લાલુપ્રસાદ યાદવને સાથે લઈને સોનિયા ગાંધીને મળવા માટે દિલ્હી જવાના છે. આનો સીધો અર્થ કાઢવામાં આવે છે કે નીતિશ કુમાર ભૂતકાળમાં ભલે ત્રીજા મોરચામાં રહ્યા હોય, પરંતુ હવે તેઓ ભાજપની સામે એક જ વિપક્ષી મોરચો એટલે કે મેઈન ફ્રન્ટ બનાવવા માંગે છે.

નીતિશ કુમાર વિપક્ષી એકતામાં કૉંગ્રેસની સૌથી મોટી ભૂમિકા જોઈ રહ્યા છે. એટલે કે વિપક્ષી એકતા માટેની કોશિશમાં નીતિશ-લાલુ સોનિયા ગાંધીને ફરી એકવાર ગઠબંધનનું કેન્દ્ર બનાવવાની કોશિશ કરશે. પરંતુ આ કોશિશમાં તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખરરાવ સહીતના કેટલાક નેતાઓ ત્રીજા મોરચાની કોશિશો કરે તેવી સંભાવનાઓ પણ જાણકારો નકારી રહ્યા નથી.

(1:00 am IST)