Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

NCPના કાર્યક્રમમાં મંચ છોડી જવા અંગે અજિત પવારે કર્યો ખુલાસો: કહ્યું- હું વોશરૂમ ગયો હતો

અજિત પવારે કહ્યું કે મીડિયાએ તથ્યોના આધારે રિપોર્ટ તૈયાર કરવો જોઈએ: તેણે કહ્યું, “હું નારાજ નથી. શું તમે ઇચ્છો છો કે હું આ સ્ટેમ્પ પેપર પર લખીને આપું?

મુંબઈ :મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારે NCP હાઈકમાન્ડ સાથે કોઈ મતભેદ હોવાનો ઈન્કાર કર્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં સ્ટેજ છોડવાને લઈને થયેલા વિવાદ પર તેમણે કહ્યું કે તેઓ વોશરૂમમાં ગયા હતા. રવિવારે નવી દિલ્હીમાં NCPના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન અજીત સ્ટેજ પરથી ઉભા થયા હતા અને કાર્યક્રમ છોડી નીકળી ગયા હતા.  આ પછી તેમની રાહ જોવામાં આવી, પરંતુ તે પાછા આવ્યાં નહીં. આ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર, પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ, પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલે જેવા નેતાઓ પણ મંચ પર હાજર હતા.

રિપોર્ટ અનુસાર, શરદ પવાર બાદ અજિત પવાર કાર્યકર્તાઓને સંબોધિત કરવાના હતા. પરંતુ તેમની પહેલા પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને બોલવાની તક આપવામાં આવી હતી. સંભવતઃ અજિત પવારને આ વાત પસંદ ન આવી અને તેઓ સ્ટેજ પરથી ઉભા થઈને ચાલ્યા ગયા. સુપ્રિયા સુલે તેમને સમજાવવા ગયા, પરંતુ તેઓ પાછા ન આવ્યા. તે સમયે મંચ પર હાજર પ્રફુલ્લ પટેલે સમર્થકોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો ઘણી હદે વણસી ગયો હતો.

સોમવારે પત્રકાર દ્વારા આ અંગે પૂછવામાં આવેલા સવાલ પર અજિત પવાર ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું, ‘મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે NCPના રાષ્ટ્રીય અધિવેશનમાં સંબોધન કર્યું હતું, કારણ કે આવા કાર્યક્રમોમાં માત્ર પ્રમુખ જ બોલે છે. મને બોલતા કોઈએ રોક્યો નથી. હું વોશરૂમમાં ગયો. શું હું બહાર ન જઈ શકું?’

અજિત પવારે કહ્યું કે મીડિયાએ તથ્યોના આધારે રિપોર્ટ તૈયાર કરવો જોઈએ. હું અહીં રાજ્યની વર્તમાન બાબતો પર વાત કરવા આવ્યો છું. જ્યારે નારાજગી અંગે ફરીથી પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “હું નારાજ નથી. શું તમે ઇચ્છો છો કે હું આ સ્ટેમ્પ પેપર પર લખીને આપું?”

(1:01 am IST)