Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ઇલેકિટ્રક બાઇક ચાર્જ કરતી વખતે શો-રૂમમાં આગ લાગતા ૮ના મોત

તેલંગાણાની રાજધાની હૈદરાબાદની નજીક આવેલા સિકંદરબાદમાં

હૈદરાબાદ તા. ૧૩ : તેલંગાનાની રાજધાની હૈદરાબાદની નજીક આવેલા સિકંદરબાદમાં ઈલેક્‍ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગને કાબુમાં લઈ લીધી છે. મોડી રાતે થયેલી આ ઘટનામાં ૮ લોકોના મૃત્‍યુ થયા છે. બાકીના લોકોને રેસ્‍ક્‍યુ કરવામાં આવ્‍યા છે. હૈદરાબાદના નોર્થ ઝોનની ઉપર ડીએસપીએ જણાવ્‍યું કે શોર્ટ સર્કિટના કારણે સિકંદરાબાદમાં પાસપોર્ટ ઓફિસની પાસે ઈલેક્‍ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી છે. શોરૂમની ઉપર લોજ છે, જેમાં ઘણા લોકો ફંસાયા હતા. અપર ડીએસપીના જણાવ્‍યા મુજબ, હાલ પણ રેસ્‍ક્‍યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પહેલા એપ્રિલ મહીનામાં પણ તમિલનાડુમાં આવી જ એક ઘટના બની હતી. અહીં પોરૂર-કુંદરા સ્‍થિત શોરૂમમાં એક કસ્‍ટમરે તેની ઈ-બાઈકની બેટરીને ચાર્જિંગ માટે મુકી હતી. એટલામાં જ થોડીવાર જ આગ લાગી ગઈ હતી. ધીરે-ધીરે આખા શોરૂમમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં ૫ નવા ઈલેક્‍ટ્રિક સ્‍કુટર અને સર્વિસિંગ માટે આવેલા ૧૨ જૂના ઈલેકટ્રિક સ્‍કુટર સળગી ગયા હતા.

આગ લાગ્‍યા પછી શોરૂમમાંથી ધુમાડો નીકળવા લાગ્‍યો હતો. જેને જોઈને લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટના પછી વિસ્‍તારમાં લોકો મોટા પ્રમાણમાં ટોળે વળ્‍યા હતા. તેના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં પોલીસની મદદથી ભીડને હટાવવામાં આવી હતી. જોકે તમિલનાડુની આ ઘટનામાં કોઈ માણસને નુકસાન થયું નહોતું. સ્‍થાનિક લોકોની મદદથી આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્‍યું હતું. જોકે તે પહેલા જ શોરૂમ સળગીને રાખ થઈ ગયો હતો.

(4:42 pm IST)