Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ભોપાલમાં ૧૮ પુરૃષો કરશે છૂટાછેડાની ભવ્ય ઉજવણીઃ આમંત્રણ-કાર્ડ વાઇરલ

તેઓ લાંબા સમય સુધી ચાલેલા કોર્ટ કેસ બાદ છૂટાછેડા મેળવવામાં સફળ થયા છે

ભોપાલ, તા.૧૩: ભોપાલમાં લગ્નસંબંધોમાં પુરુષો સાથે થતા અન્યાય સામે લડતી એક એનજીઓ દ્વારા આવતા રવિવારે ૧૮ પુરુષોની છૂટાછેડાની ઉજવણી માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ લાંબા સમય સુધી ચાલેલા કોર્ટકેસ બાદ છૂટાછેડા મેળવવામાં સફળ થયા છે. લગ્ન વગર પણ એક સારું જીવન જીવી શકાય એ માટે તેમને પ્રેરવા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સેવ ઇન્ડિયન ફૅમિલી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા પુરુષોની આ સંસ્થા દહેજ, ઘરેલુ હિંસા અને ભરણપોષણ જેવા મામલે ચાલેલી લાંબી લડાઈના આરોપના કેસમાં થયેલા વિજયની ઉજવણી કરશે.

એનજીઓ દ્વારા રવિવારે આયોજિત કરેલી ઇવેન્ટને 'લગ્ન વિચ્છેદ સમારોહ' નામ આપ્યું છે, કાર્ડમાં વિવિધ લગ્ન-સમારોહના કાર્યક્રમની મજાક ઉડાડતા પ્રંસગો પણ લખવામાં આવ્યા છે; જેમ કે જયમાલા વિસર્જન, જેન્ટ્સ સંગીત, સમાજસેવાનાં સાત પગલાં અને સાત પ્રતિજ્ઞા અને સદબુધ્ધિ શુદ્ધીકરણ યજ્ઞનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંસ્થા પુરુષને મળનારી આર્થિક, સામાજિક અને માનસિક આઝાદીની ઉજવણી કરશે. એનજીઓના સભ્ય ઝાકી અહમદે કહ્યું કે એનજીઓ છેલ્લાં અઢી વર્ષથી પુરુષો સાથે થતા અન્યાય સામે લડત ચલાવી રહી છે. ૧૮ પુરુષો તેમના જીવનને નરક સમાન બનાવી દેનાર લગ્ન-સંબંધમાંથી મુકત થયા, અમે તેમને માનસિક ટેકો આપીશું.

લગ્ન વિચ્છેદ સમારોહનું આયોજન આ પુરુષો તેમનું નવજીવન સકારાત્મક રીતે શરૃ કરે તેમ જ ગુમાવેલું આત્મસન્માન ફરીથી મેળવે એ હેતુથી કરવામાં આવ્યું છે. અગાઉ આ સમારોહ બહુ નાના પાયે કરવામાં આવ્યો હતો, પરંતુ આમંત્રણ-કાર્ડ વાઇરલ થતાં એને બહુ ભવ્ય રીતે કરવામાં આવશે.

(4:08 pm IST)