Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

આવશ્યક દવાઓની યાદીમાં નવી ૩૪ દવાનો ઉમેરો, ૨૬ દવા યાદીમાંથી દૂર કરાઈ

મોંઘવારીના માર વચ્ચે દવાઓનો ખર્ચ ઘટે તેવી આશા : છેલ્લે વર્ષ ૨૦૧૫ બાદ સુધારો કરાયાના છ વર્ષ બાદ વર્ષ ૨૦૨૨માં નેશનલ ઇનિશિયલ લિસ્ટ ઓફ મેડિશીન્સમાં ફેરફાર કરાયો

નવી દિલ્હી, તા.૧૩ : મોંઘવારીના માર વચ્ચે દવાઓનો ખર્ચ ઘટે તેવી આશા જાગી છે. સરકાર દ્વારા છ વર્ષ બાદ આવશ્યક દવાઓની સુધારેલી નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદીમાં નવી ૩૪ દવાઓ ઉમેરાઇ છે તો બીજી બાજુ ૨૬ દવાઓ યાદીમાંથી દૂર કરાઇ છે.

છેલ્લે વર્ષ ૨૦૧૫ બાદ સુધારો કરાયાના છ વર્ષ બાદ વર્ષ ૨૦૨૨માં નેશનલ ઇનિશિયલ લિસ્ટ ઓફ મેડિશીન્સ (એનઇએલએમ)માં ફેરફાર કરાયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, આ યાદીમાં કઇ દવાનો સમાવેશ કરવો તેનો નિર્ણય સ્વતંત્ર સમિતિ કરે છે. ૩૫૦ એક્સપર્ટ અને ૧૪૦ બાર કન્સલ્ટેશન કરાયા બાદ આ યાદી તૈયાર થઇ છે. આ યાદીમાં જે દવાઓ છે તે સુરક્ષા, અફોર્ડેબિલિટી (વાજબી) અને એક્સસિબિલિટી (ઉપલબ્ધતા) પર આધારિત હોય છે. આ યાદીમાં સામેલ ૩૮૪ દવામાં લગભગ ૧૦૦૦થી વધારે ફોર્મ્યુલેશન ડ્રગ્સ છે. જ્યારે વર્ષ ૨૦૧૫માં ૩૭૬ દવાઓમાં આશરે ૮૦૦ ફોર્મ્યુલેશન ડ્રગ્સને આવરી લેવાયા હતા. શિડ્યુલ્ડ ડ્રગ્સ કે જે વર્ષ ૨૦૧૫માં આ યાદીનો હિસ્સો હતી, તેણે લગભગ રૂ. ૧.૬થી ૧.૭ લાખ કરોડની મૂલ્યના સ્થાનિક ફાર્મા માર્કેટમાં ૧૭-૧૮ ટકા યોગદાન આપ્યું હતું. એનએલઇએમ યાદીમાં સામેલ દવાઓને શિડ્યુલ્ડ ડ્રગ્સ કહેવાય છે અને તેની કિંમત જથ્થાબંધ ફુગાવાના આધારે એનપીપીએ દ્વારા નક્કી કરાઇ છે. ફાર્મા કંપનીઓની શિડ્યુલ્ડ ડ્રગ્સની કિંમતમાં દર વર્ષે મહત્તમ ૧૦ ટકા વધારો કરવાની મંજૂરી અપાઇ છે.  વર્ષ ૧૯૯૬માં પ્રથમવાર આ યાદી જાહેર કરાઇ ત્યારે ૨૭૯ દવાઓ હતી અને ત્યારબાદ સમયાંતરે સુધારો કરાયો છે. સામાન્ય રીતે દર ત્રણ વર્ષે યાદીમાં સુધારો કરાય છે જો કે આ વખત છ વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ સુધારો કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના લીધે એનએલઇએમ-૨૦૨૨ની યાદી કરવામાં વિલંબ થયો હોવાનું મનાય છે. બેડાક્વિલિન (એન્ટી-ટીબી), ડેલામેનિડ (એન્ટી-ટીબી), ડોલ્યુટેગ્રાવીર (એચઆઈવી), ડાકલાટાસવીર (હેપેટાઈટિસ સી) જેવી પેટન્ટ દવાઓ પણ એનએલઇએસ-૨૦૨૨ની યાદીનો ભાગ છે. એનપીપીએ એ ટ્રેડ માર્જિનને તર્કસંગત કરીને કેન્સરની ૪૨ દવાઓની કિંમતો નક્કી કરી હતી. આ દવાઓની તપાસ કરીને અને લગભગ ચાર કેન્સરની દવાઓને પણ યાદીમાં સામેલ કરાઇ છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી (એનપીપીએ) દ્વારા આ યાદીમાં સામેલ દવાની ભાવ મર્યાદા નક્કી કરવા છે માર્ગદર્શન અપાય છે. આ યાદીમાં એન્ટિ-ઇન્ફેક્ટિવ (એન્ટિબાયોટિક્સ, એન્ટિફંગલ વગેરે),ડાયાબિટીસ, એચઆઇવી, ટીબી, ગર્ભનિરોધક, હોર્મોનલ મેડિશિન, અમુક લોહી ગંઠાઈ જવાની બિમારની,   અને એનેસ્થેટિકની દવાઓ સામેલ છે. ઉપરાંત સામાન્ય એન્ટિબાયોટિક્સ જેમ કે મેરોપેનેમ, સેફ્યુરોક્સાઈમ, એન્ટિ-ડાયાબિટીક દવાઓ જેમ કે ઇન્સ્યુલિન ગ્લેર્ગિન અને ટેનેલિગ્લિપ્ટિનનો પણ સમાવેશ કરાયો છે. કોવિડ-૧૯ની દવાઓ અને વેક્સીનનો આ યાદીમાં સમાવેશ કરાયો નથી કારણ કે તે ઇમર્જન્સી યુઝ ઓથોરાઇઝેશન (ઇયુએ) હેઠળ છે અને તેની અસરકારકતા અને ડ્રગ પ્રોફાઇલ્સને સમજવા માટે વધુ અભ્યાસની જરૂર છે. આમ તો રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં સામેલ વેક્સીન આપમેળે જ આ યાદીનો ભાગ બની જાય છે. રોટાવાયરસ રસી ૨૦૧૬માં રસીકરણ અભિયાનો હિસ્સો ભાગ બની હતી અને હવે તે આવશ્યક દવાઓની યાદીમાં સામેલ કરાઇ.

(7:53 pm IST)