Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ઈમરાન ખાન ફસાયાઃ ગિફટ મળેલો હાર સરકારી ખજાનામાં જમા કરાવવાને બદલે ૧૮ કરોડમાં વેચી દીધોઃ તપાસ શરૂ

પાકિસ્‍તાનના કાયદા મુજબ, સરકારી હોદ્દેદારોએ મહેમાનો તરફથી મળેલી ગિફટ્‍સને સરકારી ખજાનામાં જમા કરાવવાની હોય છેઃ જો એ ગિફટ કે તેની ઓછામાં ઓછી અડધી રકમ જમા ન કરાવે તો તેને ગેરકાનુની માનવામાં આવે છે

ઈસ્‍લામાબાદ, તા.૧૪: પાકિસ્‍તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્‍કેલીઓ વધતી દેખાઈ રહી છે. તેમના પર આરોપ છે કે, તેમના કાર્યકાળ દરમિયાન ગિફટમાં મળેલો કિંમતી હાર તેમણે સરકારી ખજાનામાં જમા કરાવવાને બદલે એક જવેલરને વેચી દીધો હતો. પાકિસ્‍તાનની ટોચની ઈન્‍વેસ્‍ટીગેશન એજન્‍સીએ તેમની સામે તપાસ શરૂ કરી દીધી છે. આરોપ મુજબ, ઈમરાનને હારના બદલમાં ૧૮ કરોડ રૂપિયા મળ્‍યા હતા.

અહેવાલ મુજબ, ગિફટમાં ખાનને મળેલા હારને સરકારી ખજાનામાં જમા ન કરાવ્‍યો અને તે પૂર્વ વિશેષ સહાયક ઝુલ્‍ફીકાર બુખારીને આપી દેવાયો. બુખારીએ તેને લાહોરમાં એક જવેલરને એ હાર ૧૮ કરોડ રૂપિયામાં વેચી દીધો. અહેવાલ મુજબ, ફેડરલ ઈન્‍વેસ્‍ટીગેશન એજન્‍સીએ આ આરોપો અંગે તપાસ શરૂ કરી દીધી છે. સરકારી હોદ્દા પર રહેવા દરમિયાન મેળલી ગિફટ્‍સની અડધી કિંમત ચૂકવીને તેને વ્‍યક્‍તિગત સંપત્તિના રૂપમાં રાખી શકાય છે.

અહેવાલ મુજબ, ઈમરાન ખાને સરકારી ખજાનામાં કટેલાક હજાર રૂપિયા જમા કર્યા હતા. પાકિસ્‍તાનના કાયદા મુજબ, સરકારી હોદ્દેદારોએ મહેમાનો તરફથી મળેલી ગિફટ્‍સને સરકારી ખજાનામાં જમા કરાવવાની હોય છે. જો એ ગિફટ કે તેની ઓછામાં ઓછી અડધી રકમ જમા ન કરાવે તો તેને ગેરકાનુની માનવામાં આવે છે. ગત શનિવારે ઈમરાન ખાન નાટકીય રીતે સત્તા પરથી ફેંકાઈ ગયા હતા, જયારે નેશનલ એસેમ્‍બલીમાં અવિશ્વાસ પ્રસ્‍તાવ પર વોટિંગ દરમિયાન તેમને હારનો સામનો કરવો પડ્‍યો હતો.

પાકિસ્‍તાન મુસ્‍લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના સીનિયર નેતા અયાઝ સાદિકે બુધવારે આરોપ લગાવ્‍યો કે, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પોતાની પાર્ટી પાકિસ્‍તાન તહરીક-એ-ઈન્‍સાફ (પીટીઆઈ)ના સાંસદોને નેશનલ એસેમ્‍બ્‍લીમાંથી રાજીનામું આપવા ફરજ પાડી રહ્યા છે. ગત દિવસોમાં પીટીઆઈ ચીફ ઈમરાન ખાન સામે સંસદમાં અવિશ્વાસ પ્રસ્‍તાવ પસાર થઈ ગયો હતો અને પીએમએલ-એનના નેતા શાહબાઝ શરીફ નવા વડાપ્રધાન બન્‍યા હતા. તે પછી ઈમરાનની પાર્ટીએ નેશનલ એસેમ્‍બ્‍લીના સત્રનો બહિષ્‍કાર કર્યો હતો અને સંસદના નીચલા ગૃહમાંથી સામૂહિક રાજીનામાનું આપવાની જાહેરાત કરી હતી.

(10:54 am IST)