Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ભારતમાં મનમાની ધરપકડઃ અટકાયતી મોતઃ અભિવ્‍યકિતની આઝાદીઃ મીડિયા પર પ્રતિબંધઃ લઘુમતીઓ વિરૂધ્‍ધ ધાર્મિક હિંસા

ભારતમાં માનવાધિકાર ભંગ અંગેના અમેરિકી રિપોર્ટથી ખળભળાટઃ રિપોર્ટમાં ચીનની પણ ટીકાઃ રિપોર્ટને જુઠ્ઠો ગણાવ્‍યો

વોશીંગ્‍ટન, તા.૧૪: અમેરિકન વિદેશ વિભાગે ભારત પર પોતાના ૨૦૨૧ના માનવાધિકાર રિપોર્ટમાં મન પડે ત્‍યારે ધરપકડ, કસ્‍ટોડીયલ ડેથ, લઘુમતિઓ સામે ધાર્મિક હિંસા, અભિવ્‍યકિતની આઝાદી પર રોક, મીડીયા પર પ્રતિબંધ, પત્રકારો સામે કેસ અને ઘણા બધા પ્રતિબંધાત્‍મક કાયદાઓ બાબતે ચિંતા વ્‍યકત કરી છે. રિપોર્ટમાં એ પણ કહેવાયુ છે કે આ બધા મુદાઓ પહેલા પણ ઉઠાવાઇ ચૂકયા છે. તેમ છતાં સરકાર તરફથી કોઇ જવાબ નથી અપાતા. રિપોર્ટમાં ચીનની રાજકીય વ્‍યવસ્‍થા અને માનવાધિકારની સ્‍થિતી બાબતે ચિંતા વ્‍યકત કરાઇ છે. ચીને તેનો કડક શબ્‍દોમાં જવાબ આપ્‍યો છે.
ભારત પરના રિપોર્ટમાં કહેવામાં આવ્‍યુ છે કે ભારતીય કાયદો મનમાન્‍યા ઢંગથી ધરપકડ અને જેલમાં મોકલતા રોકે છે પણ  ૨૦૨૧માં આ બંને થયા, રિપોર્ટમાં ત્‍યાં સુધી કહેવાયુ છે કે પોલિસે ખાસ સુરક્ષા કાયદાના માધ્‍યમથી કોર્ટમાં ધરપકડ કરાયેલાઓની સમયસર સુનાવણી સુધ્‍ધા ના થવા દીધી. કેટલાય કેસોમાં તો મનમાની રીતે એટલા દિવસો સુધી જેલમાં રાખવામાં આવ્‍યા કે તે ગુનાની એટલી સજા પણ ના થઇ હોત. ૧૨ એપ્રિલે રાજય સચિવ એન્‍ટની બ્‍લીકને માનવાધિકારો પરનો આ રિપોર્ટ યુએસ કોંગ્રેસને સોંપ્‍યો. આ રિપોર્ટ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે માન્‍યતા પ્રાપ્‍ત વ્‍યકિત, નાગરિક, રાજકારણી, કાર્યકરો સાથે ચર્ચા પછી તૈયાર કરવામાં આવે છે.
રિપોર્ટમાં મનમાની રીતે કસ્‍ટડીમાં લેવાના કેસોમાં વારંવાર ફેબ્રુઆરી ૨૦૨૧માં પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિ, માનવાધિકાર કાર્યકર હિદમે મરકામ અને જમ્‍મુ કાશ્‍મીરની ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી મહબૂબા મુફતીની વારંવાર નજરકેદનો ઉલ્લેખ છે. આ ઉપરાંત, ભીમા કોરેગાંવ આંદોલનમાં પકડવામાં આવેલ ૧૫ કાર્યકર્તાઓમાંથી મોટા ભાગનાને જામીન આપવાનો ઇન્‍કાર કરાયો તેના પર પણ ચર્ચા છે. ૮૧ વર્ષના કીવ વરવર રાવ અને સ્‍ટેન સ્‍વામીના કેસની પણ ચર્ચા છે જેમને ખાસ એનઆઇએ કોર્ટ દ્વારા મેડીકલ આધાર પર કરાયેલ જામીન અરજીઓ પણ ફગાવી દેવાઇ અને ફાધર સ્‍ટેન સ્‍વામીનું મોત થયુ હતું.
પેગાસાસ મેલવેયરના માધ્‍યમથી પત્રકારો પર નિગરાણી અંગેના મીડીયા રિપોર્ટોનો હવાલો આપીને રિપોર્ટમાં જણાવાયું છે કેવી રીતે સરકાર મનમાની રીતે ગેરકાયેદસર રીતે ટેકનોલોજીની મદદ લઇને નિજતાનું ઉલ્લંઘન કર્યુ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે એવા ઉદાહરણો પણ હતા જેમાં સરકાર અથવા સરકારના નજીકના ગણાતા અભિનેતાઓએ સરકારની ટીકા કરનારા મીડીયા આઉટલેસટસ પર કથિત રીતે દબાણ કર્યુ અથવા તેમને પરેશાન કર્યા, આમાં ઓનલાઇન ટ્રોલીંગ પણ સામેલ છે.
અમેરિકનાના આ માનવાધિકાર રિપોર્ટ પર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. હાલમાં જ અમેરિકન વિદેશ પ્રધાન બ્‍લીન્‍કન ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘન બાબતે બોલ્‍યા હતા. તેમણે કહ્યું હતુ કે ભારતમાં થઇ રહેલા હાલના કેટલાક ઘટનાક્રમ પર અમેરિકા નજર રાખી રહ્યું છે. જેમાં કેટલીક સરકારી, પોલિસ અને જેલઅધિકારીઓની માનવાધિકારના ઉલ્લંઘનની વધી રહેલી ઘટનાઓ સામેલ છે.
તો ભારતના વિદેશપ્રધાન એસ જયશંકરે સ્‍પષ્‍ટ કર્યુ છે કે ૨+૨ બેઠકમાં અમેરિકાના તેમના સમકક્ષ એન્‍ટની બ્‍લીન્‍ડકન સાથે માનવાધિકાર મુદે તેમની કોઇ વાતચીત નથી થઇ. તેમણે કહ્યું કે જયારે પણ આના પર ચર્ચા થશે ત્‍યારે ભારત બોલવામાં પાછું નહીં પડે. બ્‍લીન્‍કનના બયાનનો ઇશારામાં ઉલ્લેખ કરતા જયશંકરે એ પણ કહી દીધુ કે ભારત પણ અમેરિકા અંગે પોતાના વિચારો ધરાવે છે.
ચીન પણ અમેરિકાના આ રિપોર્ટમાં પર ધુંધવાયું છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ચાઓ લીરયેને ૧૩ એપ્રિલે કહ્યું કે અમેરિકાનો આ તથા કથિત રિપોર્ટ રાજકીય જૂઠ અને પૂર્વાગ્રહ ભરેલો હોય છે. ચીન તેનાથી અસંતુષ્‍ઠ છે અને તેનો કડક વિરોધ કરે છે. ચીનમાં માનવાધિકાર બાબતે ચીની લોકોના પોતાના માપદંડ છે અને આંતરાષ્‍ટ્રીય સમુદાય ચીન સરકારની શાસન ક્ષમતા વિશે જાણે છે. અમેરિકાના થોડાક લોકો દ્વારા બહાર પડાયેલ એક રિપોર્ટથી ચીનને બદનામ ના કરી શકાય. અમેરિકન સરકાર દર વર્ષે આવા તથા કથિત રિપોર્ટનો ઉપયોગ ચીનને બદનામ કરવા અને દુનિયાના કેટલાક દેશો પર હુમલો કરવા માટે કરે છે.

 

(10:58 am IST)