Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

લ્‍યો બોલો! હવે લોન મોંઘી થશે : EMIનો વધશે બોજો

જુનમાં રેપો રેટ વધારી શકે છે રિઝર્વ બેંક : લોનનું વ્‍યાજ વધશે : લોનના હપ્‍તા વધશે : SBIના રિપોર્ટે આપ્‍યો આંચકો : રિઝર્વ બેંક પોતાના ઉદાર વલણમાં ફેરફાર કરી શકે છે

નવી દિલ્‍હી,તા.૧૪: હકીકતમાં, ભારતીય સ્‍ટેટ બેંકની અર્થવ્‍યવસ્‍થા સંશોધન ટીમે કહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) જૂનમાં રેપો રેટમાં ઓછામાં ઓછા ૨૫ બેસિસ પોઈન્‍ટનો વધારો કરશે. ઓગસ્‍ટની બેઠકમાં પણ આ ટ્રેન્‍ડ ચાલુ રહે તેવી શક્‍યતા છે. આનો અર્થ એ છે કે રેપો રેટ સતત બે વાર વધારી શકાય છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી રિવ્‍યુમાં રેપો રેટને ૪ ટકા પર સ્‍થિર રાખ્‍યો છે. આ સતત ૧૦મી વખત છે જયારે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

શું છે ગેરલાભઃ જો આવું થાય તો લોનના વ્‍યાજ દર વધી શકે છે. બેંકો પણ રેપો રેટના આધારે લોનના વ્‍યાજ દરો નક્કી કરે છે. આ જ કારણ છે કે રેપો રેટમાં વધારો અથવા ઘટાડાને કારણે સામાન્‍ય લોકોના ઘર અથવા કાર લોનની EMI પણ પ્રભાવિત થાય છે.

મોંઘવારી નિયંત્રણ પર ભારઃ SBIના રિપોર્ટ અનુસાર, RBI મોંઘવારી નિયંત્રણ પર ભાર આપવાના પક્ષમાં છે. છૂટક અને જથ્‍થાબંધ મોંદ્યવારી દરમાં વધારો થયો છે. કન્‍ઝ્‍યુમર પ્રાઈસ-બેઝ્‍ડ ઈન્‍ડેક્‍સ (CPI) દ્વારા માપવામાં આવેલ છૂટક ફુગાવો માર્ચ ૨૦૨૨માં વાર્ષિક ધોરણે વધીને ૬.૯૫ ટકા થયો, જે ફેબ્રુઆરી ૨૦૨૨માં ૬.૦૭ ટકા હતો.

કોરોના સંકટ પછી હવે યુક્રેન અને રશિયા વચ્‍ચેના યુદ્ધને કારણે ઘણી વસ્‍તુઓ પ્રભાવિત થઈ છે. આ જ કારણ છે કે મોંઘવારી પણ વધી છે. છેલ્લી મોનેટરી પોલિસી મીટિંગમાં પણ આરબીઆઈએ આ અંગે મંથન કર્યું હતું. આરબીઆઈના જણાવ્‍યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો ૫.૩ ટકા રહેવાનો અંદાજ છે.

(12:08 pm IST)