Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ગુજરાતમાં બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણમાં ઝડપઃ દર મહિને ૨૫૦ પિલર બને છેઃ ૨૦ બ્રિજ પર પણ કામ

ગુજરાતના ૩૫૨ કિલોમીટર લાંબા સાબરમતી-વાપી વિભાગમાં દર મહિને સરેરાશ ૨૦૦-૨૫૦ થાંભલાઓ બનાવવામાં આવી રહ્યા છેઃ વિવિધ નદીઓ પર સૂચિત ૨૦ પુલોનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે

નવી દિલ્‍હી,તા. ૧૪: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા, રાજયમાં બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણને વેગ મળ્‍યો છે. હાલમાં ગુજરાતના ૩૫૨ કિલોમીટર લાંબા સાબરમતી-વાપી વિભાગમાં દર મહિને સરેરાશ ૨૦૦-૨૫૦ થાંભલાઓ બનાવવામાં આવી રહ્યા છે. વિવિધ નદીઓ પર સૂચિત ૨૦ પુલોનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંત્રાલય પ્રોજેક્‍ટની દૈનિક અપડેટ લઈ રહ્યું છે.

નેશનલ હાઈ સ્‍પીડ રેલ કોરિડોર (ફણ્‍લ્‍ય્‍ન્‍)ના પ્રિન્‍સિપલ એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર પ્રમોદ શર્માએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં કુલ આઠમાંથી સુરત, વડોદરા અને અમદાવાદ હાઈ સ્‍પીડ સ્‍ટેશનનું નિર્માણ કાર્ય ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. અધિકારીએ દાવો કર્યો હતો કે બીલીમોરા, વાપી, આણંદ સહિતના બાકીના સ્‍ટેશનો ૨૦૨૬ સુધીમાં તૈયાર થઈ જશે.

હાઇ સ્‍પીડ કોરિડોર પર નર્મદા નદી પર ૧.૨૬ કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ માર્ગ પરનો આ સૌથી લાંબો પુલ હશે. તેનું બાંધકામ પણ જુલાઈ ૨૦૨૪માં પૂર્ણ થશે. રાજયની સાબરમતી, ધાધર, મહી, દમણગંગા, તાપ્તી નદીઓ પર કુલ ૨૦ પુલ બનાવવામાં આવી રહ્યા છે.

પ્રમોદ શર્માએ કહ્યું કે કોરોના સંક્રમણ ઓછું થયા બાદ હાઈ સ્‍પીડ કોરિડોરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. દર મહિને ૮ થી ૧૦ કિલોમીટરનો ટ્રેક નાખવા માટે થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે.

શર્માએ જણાવ્‍યું હતું કે સુરત-બીલીમોરા વચ્‍ચે ટ્રેક નાખવા માટે ૪૦ મીટર લાંબા ગાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનું વજન એક હજાર મેટ્રિક ટન છે. આ ટેક્‍નોલોજી સાથે, ટ્રેક નાખવાની ઝડપ ૭૦૦ ગણી વધી છે. આ ટેક્‍નોલોજી માત્ર ચીન, જાપાન સહિતના પસંદગીના દેશોમાં છે.

અમદાવાદ, વડોદરા અને સાબરમતી રેલવે સ્‍ટેશન ઉપર બુલેટ ટ્રેન સ્‍ટેશન બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે યુપી, ઉત્તરાખંડ, બિહાર, દિલ્‍હીથી ચાલતી ટ્રેનોના મુસાફરો આ ત્રણેય સ્‍ટેશનો પર પહોંચ્‍યા પછી સીધા જ બુલેટ ટ્રેનમાં ચઢી શકશે.

અમદાવાદ, વડોદરા અને સાબરમતી સ્‍ટેશનને વ્‍યાપારી પ્રવૃત્તિઓનું હબ બનાવવામાં આવશે. સાબરમતી સ્‍ટેશન પર મોટું પેસેન્‍જર ટર્મિનલ બનાવવામાં આવશે. અહીં બે મેટ્રો સ્‍ટેશન પ્રસ્‍તાવિત છે. રેલવે, મેટ્રો અને રોડ ટ્રાન્‍સપોર્ટ માટે મલ્‍ટી મોડલ ટ્રાન્‍સપોર્ટ સિસ્‍ટમ હશે. અમદાવાદ (સરસપુર) ખાતે પ્‍લેટફોર્મ ૧૧-૧૨ નવેસરથી વિકસાવવામાં આવશે. અહીં પણ મેટ્રો, રેલ અને બુલેટ ટ્રેન માટે એકીકૃત પરિવહન વ્‍યવસ્‍થા લાગુ કરવામાં આવશે.

(11:12 am IST)