Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

મુંબઈ-દુબઈ કરતા મુંબઈ-મેંગલુરુનો વિમાન પ્રવાસ મોંઘો

પ્રવાસ ઉદ્યોગ કોવિડ પૂર્વેના સ્‍તરે : તહેવારોને કારણે લાંબા વીકએન્‍ડમાં પ્રવાસીઓનો બૂકીંગ માટે ધસારો

મુંબઈ, તા.૧૪:  આગામી તહેવારો, ઉનાળાની રજાઓ અને લાંબા વીકએન્‍ડ જેવા ત્રણ મુખ્‍ય કારણે ટૂંકા અંતરના હવાઈ પ્રવાસની ટિકિટના દર બેફામ વધ્‍યા છે.

મુંબઈ અને દિલ્‍હીથી હવાઈ પ્રવાસ કરતા પ્રવાસીઓમાં ફરવા માટે શ્રીનગર અને લેહ પસંદગીના સ્‍થળ રહ્યા છે ત્‍યારે સ્‍થાનિક ફલાઈટના દર દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય ડેસ્‍ટીનેશન કરતા પણ વધુ છે.

ચાલુ મહિનામાં આવી રહેલા ઈસ્‍ટર, બૈસાખી જેવા તહેવારોને કારણે કોચી, મેંગલુરુ અને ચંડીગઢ જવા માટે પ્રવાસીઓનો સારો એવો ધસારો રહ્યો છે.

ગુરુવાર અને રવિવાર સુધીમાં અનેક તહેવારો આવતા હોવાથી વીકએન્‍ડ લાંબો થયો છે. મંગળવારે શ્રીનગર માટે રાઉન્‍ડ ટ્રીપની ટિકિટના દર રૂા. ૪૬ હજારથી શરૂ થતા હતા. મુંબઈ અને લેહ વચ્‍ચે વાયા દિલ્‍હી રિટર્ન ટિકિટના દર રૃા. ૩૬ હજાર હતા તો બીજી તરફ મુંબઈ-દુબઈની ટિકિટ રૂા. ૨૦ હજાર હતી અને દિલ્‍હી-દુબઈની ટિકિટના દર રૂા. ૨૨,૫૦૦ હતા.

મુંબઈથી કોચી, મેંગલુરુ, અને દહેરાદુન માટે પણ સારો એવો ધસારો રહ્યો છે, જયારે દિલ્‍હીથી ગોવા, શ્રીનગર અને મેંગલુરુ માટે ધસારો રહ્યો હતો.

પ્રવાસીઓ ટૂંકી રજા માટે તાબડતોબ જઈ અને પાછા આવી શકાય તેવા સ્‍થાનો પર પસંદગી ઉતારી રહ્યા છે. પરિણામે શિમલા, જિમ કોરબેટ પાર્ક, વાયાનાડ, નૈનિતાલ, કૂર્ગ અને એલ્લેપ્‍પી જેવા સ્‍થળોની માગ વધી છે.

ટ્રાવેલ કંપનીના સંચાલકોએ જણાવ્‍યું કે કેટલાક શહેરોમાં ટિકિટ બૂકીંગના પ્રમાણ સામાન્‍ય રહ્યા છે પણ ડિસેમ્‍બર, ૨૦૨૧ની તુલનાએ માગમાં ચોક્કસ વધારો થયો છે.

આગામી લાંબા વીકએન્‍ડ માટે મોટાભાગના લોકોએ અગાઉથી ટિકિટ બૂકીંગ કરાવી હતી જયારે કેટલાક લોકોએ છેલ્લી ઘડીએ ટિકિટ માટે ધસારો કરતા ભાવમાં વધારો નોંધાયો હતો.

હવાઈ ટિકિટના દર વધવાને કારણે પ્રવાસીઓ માર્ગ મુસાફરીને પણ પ્રાથમિકતા આપી  રહ્યા છે. કાર ભાડે આપનાર કંપની સંચાલકોએ જણાવ્‍યું કે દિલ્‍હી, મુંબઈ અને કોલકતા જેવા શહેરોમાંથી અનુક્રમે મનાલી, લોનાવલા અને કૂર્ગ જેવા સ્‍થળોએ જવા કાર બૂકીંગની માગ વધી છે.

તેમણે માહિતી આપી કે ડિસેમ્‍બરની સરખામણીએ માગ ખૂબ જ વધારે છે. એપ્રિલમાં ડિસેમ્‍બર જેટલી માગ થવાનો સંકેત છે કે પ્રવાસ ઉદ્યોગ ફરી કોવિડ પૂર્વેના સ્‍તર સુધી પહોંચી રહ્યો છે.

(12:14 pm IST)