Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

તમે અખંડ ભારત બનાવો પરંતુ 15 વર્ષનો નહિ 15 દિવસનો જ વાયદો આપો અને અખંડ હિન્દુસ્તાન બનાવો: RSSના ચીફ મોહન ભાગવતના નિવેદન સામે શિવસેનાના સાંસદ સંજય રાઉતની આપો પ્રતિક્રિયા

અખંડ હિન્દુસ્તાનનું સપનું કોણ જોતું નથી: વીર સાવરકર, બાળાસાહેબ ઠાકરેનું આ સપનું હતું તો સૌથી પહેલા તમે વીર સાવરકરને ભારત રત્ન આપો: સંજય રાઉત

મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે કહ્યું હતું કે 15 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બની જશે અને આ બધું આપણે પોતાની આંખોથી જોઈશું. સંતો અને જ્યોતિષીનું માનવું છે કે 20થી 25 વર્ષમાં દેશ ફરીથી અખંડ ભારત બની જશે. જોકે આપણે બધા એક થઈને આ કામને ગતિ આપીશું તો 10-15 વર્ષમાં જ અખંડ ભારત બની જશે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તમે અખંડ ભારત બનાવો પરંતુ 15 વર્ષનો નહિ 15 દિવસનો જ વાયદો આપો અને અખંડ હિન્દુસ્તાન બનાવો.
RSS ચીફે વધુમાં કહ્યું હતું કે જો કેટલાક લોકો સનાતન ધર્મનો વિરોધ કરે છે તો તેમનો પણ એમાં સહયોગ છે. જો તેઓ વિરોધ ન કરત તો હિન્દુ જાગત જ નહિ, તેઓ સૂતેલા જ રહેત. તેમણે વધુમાં કહ્યું હતું કે જો ભારત ઊઠશે તો ધર્મના માધ્યમથી જ ઊઠશે. ધર્મનું પ્રયોજન જ ભારતનું પ્રયોજન છે. ધર્મની ઉન્નતિ એ જ ભારતની ઉન્નતિ હશે.
રસ્તામાં જે કોઈ આવશે તેનો નાશ થશે: ભાગવત
ભાગવતે હરિદ્વારામાં કહ્યું હતું કે ભારત સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે. તેના રસ્તામાં જે કોઈ પણ આવશે તો તેનો નાશ થશે. અમે અહિંસાની જ વાત કરીશું, પરંતુ આ વાત હાથમાં ડંડા લઈને કહેવામાં આવશે. અમારા મનમાં કોઈ દ્વૈષ, શત્રુતાનો ભાવ નથી. જોકે વિશ્વશક્તિને જ માને છે, તો અમે શું કરીએ.
રાઉતે કહ્યું- પહેલા તમે વીર સાવરકરને ભારત રત્ન આપો
ભાગવતના આ નિવેદન પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. રાઉતે કહ્યું હતું કે તમે અખંડ ભારત બનાવી લો પરંતુ 15 વર્ષનો નહિ 15 દિવસનો જ વાયદો આપો અને અખંડ હિન્દુસ્તાન બનાવો. તેમણે કહ્યું હતું કે અખંડ હિન્દુસ્તાનનું સપનું કોણ જોતું નથી. વીર સાવરકર, બાળાસાહેબ ઠાકરેનું આ સપનું હતું, તો સૌથી પહેલા તમે વીર સાવરકરને ભારત રત્ન આપો.
તો અમે તમારું જરૂર સમર્થન કરીશું: રાઉત
રાઉતે કહ્યું હતું કે કોઈ અખંડ હિન્દુસ્તાનની વાત કરે છે તો સૌથી પહેલા તેમણે POKને ભારત સાથે જોડવું પડશે, પછી જે પાકિસ્તાનનું વિભાજન થયું હતું તેને પણ ભારત સાથે જોડવું પડશે. પહેલાં જ્યાં પણ ભારતની સીમા હતી એને પણ જોડો. શ્રીલંકાને પણ જોડો. પછી એક મહાસત્તા બનાવી લો, તમને કોઈ નહિ રોકે. તમને કોઈએ રોક્યા નથી. જોકે એ પહેલાં કાશ્મીરી પંડિતોની ઘર વાપસી કરાવી દો અને જો તમે આ કરી દેશો તો અમે તમારું સમર્થન કરીશું.

(6:03 pm IST)