Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

હુમલામાં ઘાયલ શિવમ શુક્લ ચાર દિવસથી વેન્ટિલેટર પર

શોભાયાત્રા પર હુમલામાં કિશોર ઘાયલ થયો હતો : શિવમની બહેનના ત્રણ દિવસ બાદ લગ્ન હતા પણ હવે શિવમની સ્થિતિ જોતા લગ્ન બે મહિના પાછા ઠેલવી દેવાયા

ખરગોન, તા.૧૪ : રામ નવમીના દિવસે મધ્યપ્રદેશના ખરગોનમાં નીકળેલી શોભાયાત્રા પર થયેલા હુમલા બાદ અહીંયા તનાવ યથાવત છે. હિંસાનો ભોગ બનનારા કેટલાક પરિવારો એવા છે જેઓ કદાચ આખી જિંદગી આ દિવસને નહીં ભુલી શકે. આ હિંસામાં શિવમ શુક્લા નામનો એક ૧૬ વર્ષનો કિશોર પણ ઈજાગ્રસ્ત થયો છે અને છેલ્લા ચાર દિવસથી ઈન્દોરની ખાનગી હોસ્પિટલમાં જીવન અને મોતનો જંગ લડી રહ્યો છે.

હજી પણ તે બોલવાની સ્થિતિમાં નથી. તોફાન થયુ તે દિવસે તે પૂજા કરવા ગયો હતો અને હિંસાની લપેટમાં આવી ગયો હતો. શિવમની બહેનના ત્રણ દિવસ બાદ લગ્ન હતા પણ હવે શિવમની સ્થિતિ જોતા લગ્ન બે મહિના પાછા ઠેલવી દેવામાં આવ્યા છે. શિવમ મૂળે તો બીજા જિલ્લાનો છે પણ ખરગોનમાં મામાના ઘરે રહીને તે અભ્યાસ કરી રહ્યો હતો. તેના મામા મામીનુ કહેવુ છે કે, બહેનના લગ્ન માટે તે ઘણો ઉત્સાહમાં હતો.બે નવા ડ્રેસ પણ શિવમે ખરી દયા હતા અને રામનવમીના બીજા દિવસે તો તે લગ્નની તૈયારી માટે પોતાના ઘરે જવાનો હતો પણ એ પહેલા તો તે હિંસાનો શિકાર બની ગયો હતો.હાલમાં તેના માથામાં ગંભીર ઈજા થઈ છે અને તે વેન્ટિલેટર પર છે.

જોકે ડોકટરોનુ કહેવુ છે કે, ધીરે ધીરે તેની સ્થિતિ સુધરી રહી છે. સીએમ શિવરાજસિંહ ચૌહાણે શિવમની સ્થિતિ પર નજર રાખવા માટે ડોકટરોને જાતે આદેશ આપ્યા છે અને તેની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે તેવી જાહેરાત કરી છે.

દરમિયાન ૧૦ એપ્રિલે થયેલા તોફાનોમાં ૧૦ ઘરોને આગ ચાંપવામાં આવી હતી. આ મામલામાં ૨૭ ફરિયાદો નોંધાઈ ચુકી છે અને ૮૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શોભાયાત્રાના આયોજક મનોજ રઘુવંશીનુ કહેવુ છે કે, હિંસાની શરૂઆત તલબ ચોક મસ્જિદ પાસેથી થઈ હતી. જ્યાં શોભાયાત્રાને બેરિકેડ બનાવીને રોકી દેવામાં આવી હતી. દર વર્ષે આ જ રૂટ પરથી યાત્રા નિકળે છે અને આ વખતે જ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

(7:41 pm IST)