Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

યુપીના ખેડૂતોએ કેન્દ્રોને બદલે વેપારીઓને ઘઊં વેચી દીધા

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ઘઉંના ખરૂદ કેન્દ્રો પર સન્નાટો : સરકાર રવિ પાક માટે ૨૦૧૫ રૂપિયા કિંમત આપે છે જ્યારે ખેડૂતોને વેપારીઓ પાસેથી ૨૦૫૦ રૂપિયા મળે છે

બારાબંકી, તા.૧૪ : ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે ઘઉંના ૬૨ ખરીદ કેન્દ્રો પર સન્નાટો વ્યાપેલો છે. તેનું કારણ એ છે કે, ખેડૂતો સરકારી તંત્રની લાંબી લાઈનોથી બચવા માટે પોતાના ખેતરેથી વેપારીઓને વધુ સારી કિંમતે ઘઉં વેચી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંની માગણી વધવાના કારણે તેની કિંમતો પણ ખૂબ જ વધી ગઈ છે. ઉપરાંત સરકારની મફત રાશન યોજનાના કારણે પણ ઘઉંની માગ વધી છે. સરકાર રવિ પાક માટે ૨૦૧૫ રૂપિયા કિંમત આપી રહી છે જ્યારે આડતિયાઓ, વેપારીઓ ખેડૂત પાસેથી સીધા ખેતરેથી જ ઘઉંના પાકના ૨૦૫૦ રૂપિયાથી વધારે ચુકવીને રોકડમાં ખરીદી કરી રહ્યા છે.

યોગી સરકારે પ્રદેશના ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી માટે ગત ૧ એપ્રિલના રોજથી ખરીદ કેન્દ્રોનું સંચાલન શરૂ કરાવી દીધું છે. ખરીદ કેન્દ્રો ખાતે સંચાલ શરૂ થયાને ૧૩ દિવસ થવા છતાં ખેડૂતો પોતાનો પાક વેચવા નથી આવી રહ્યા. આ કારણે કેન્દ્રોના પ્રભારીઓ મુંઝવણમાં મુકાયા છે. સમય વીતી રહ્યો છે પરંતુ લક્ષ્ય પ્રમાણે ઘઉંની ખરીદીનું કાર્ય નથી થઈ રહ્યું. એક અહેવાલ પ્રમાણે ૯૯% ખેડૂતો હજુ પોતાના ઘઉંના વેચાણ માટે સરકારી કેન્દ્રો પર નથી પહોંચી રહ્યા.

(7:47 pm IST)