Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

શેરધારકો-લેણદારોની બેઠક સામે ફ્યુચર રિટેલને એમોઝોનની ચેતવણી

રિલાયન્સ સાથેના કરાર પૂર્વે ફ્યુચર ગ્રુપ મુશ્કેલીમાં : ૧૬ પાનાના પત્રમાં યુએસ ઈ-કોમર્સ જાયન્ટે જણાવ્યું હતું કે આ પ્રકારની બેઠક યોજવી ગેરકાયદેસર છે

મુંબઈ, તા.૧૪ : એમેઝોને અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલને તેના બિગબજાર સહિતના રિટેલ કારોબારની સંપતિ ટ્રાન્સફર કરવાના વેચાણ કરારને મંજૂરી આપવા માટે આગામી સપ્તાહે બોલાવેલ શેરધારકો અને લેણદારોની બેઠક સામે ફ્યુચર રિટેલ લિમિટેડને ચેતવણી આપી છે.

૧૨ એપ્રિલે કિશોર બિયાની અને અન્ય પ્રમોટરોને લખેલા ૧૬ પાનાના પત્રમાં યુએસ ઈ-કોમર્સ જાયન્ટે જણાવ્યું હતું કે આ પ્રકારની બેઠક યોજવી ગેરકાયદેસર છે અને એમેઝોને એફઆરએલની પ્રમોટર ફર્મમાં ૨૦૧૯ના કરેલ રોકાણ સંદર્ભ કરારનો આ ભંગ જ નહીં પરંતુ સિંગાપોર આર્બિટ્રલ ટ્રિબ્યુનલના મનાઈ હુકમનું પણ ઉલ્લંઘન કરશે.

એમેઝોન ડોટ કોમ એનવી ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ એલએલસીનાના અધિકારી દ્વારા હસ્તાક્ષર કરાયેલા પત્રમાં બિયાની જૂથને ઇમરજન્સી આર્બિટ્રેટર દ્વારા આપવામાં આવેલા મનાઈહુકમનું સખતપણે પાલન કરવા અને વ્યવહાર સાથે *આગળ વધવા માટે કોઈ પગલાં લેવામાં ન આવે તેની ખાતરી કરવા* કહેવામાં આવ્યું છે.

બિગબજાર બ્રાન્ડ ધરાવતા ફ્યુચરે રિલાયન્સ સાથેના રૂ. ૨૪,૭૧૩ કરોડના સોદા માટે મંજૂરી મેળવવા માટે ૨૦ એપ્રિલે શેરધારકોની અને ૨૧ એપ્રિલે લેણદારોની બેઠક બોલાવી છે. આ બેઠક સુપ્રિમ કોર્ટના ૧૫મી ફેબ્રુઆરી અને તેના પર એનસીએલટીના ૨૯મી ફેબ્રુઆરીના ચુકાદાને અધારે બોલાવામાં આવી છે જ્યાં ન્યાયસંસ્થાએ ફ્યુચરને બેઠકો બોલાવવા મંજૂરી આપી હતી. ઓગષ્ટ, ૨૦૨૦માં ફ્યુચર રિટેલે રિટેલ સ્ટોર્સ અને વેરહાઉસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની રિટેલ કંપની રિલાયન્સ રિટેલને રૂ. ૨૪,૭૧૩ કરોડમાં વેચવાની જાહેરાત કરી હતી. આ સોદા સામે ગ્લોબલ ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને અગાઉ કરેલ ૧૫૦૦ કરોડના સોદામાં ફ્યુચર રિટેલના વેચાણ પર પ્રથમ હક્ક હોવાનો દાવો કરીને કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતા.

(7:52 pm IST)